Gandhinagar : રુપાલમાં આસ્થાની પલ્લી ! લાખો મણ ઘીનો અભિષેક કરાયો, લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા,જુઓ Video
ગાંધીનગરના રૂપાલમાં મધ્યરાત્રિએ વરદાયીની માતાની પલ્લી નીકળી. દર વર્ષે આસો સુદ નોમની રાત્રે રૂપાલમાં પલ્લીનો મેળો યોજાય છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ આ પલ્લીમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી.
ગાંધીનગરના રૂપાલમાં મધ્યરાત્રિએ વરદાયીની માતાની પલ્લી નીકળી. દર વર્ષે આસો સુદ નોમની રાત્રે રૂપાલમાં પલ્લીનો મેળો યોજાય છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ આ પલ્લીમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જોવા મળી. લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યા હતા. માની પલ્લીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકોનું ટોળુ ઉમટ્યું હતું.
રૂપાલના 27 ચકલામાંથી પલ્લી પસાર થાય છે અને તેના પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલમાં જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ખાસ આ પલ્લીના દર્શન માટે રૂપાલ આવે છે. નાના બાળકોને આ પલ્લીના દર્શન કરાવવાનો વિશેષ મહિમા છે.
શું છે અહીંની પ્રચલિત કથા?
રૂપાલમાં પલ્લીના આ પરંપરા પાંડવકાલિન મનાય છે. પ્રચલિત કથા અનુસાર અજ્ઞાતવાસમાં જતા પહેલાં પાંડવો માતા વરદાયિનીના દર્શને આવ્યા હતા. માતાના આશીર્વાદથી જ તેમના શસ્ત્રો સંતાડ્યા હતા. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ પાંડવો જ્યારે પરત આવ્યા તે બાદ માતાની ઈચ્છાથી તેમણે પલ્લી ભરી હતી. પ્રચલિત કથા અનુસાર પાંડવોએ સોનાની પલ્લી બનાવી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરત ચાલુ છે.
લોકો તેમની મનોકામના માટે પલ્લી પર ઘી ચઢાવવાની માનતા માને છે. અને જેમની માનતા પૂર્ણ થાય છે. તે રૂપાલની પલ્લીના દર્શને ઉમટે છે. અઢી કિ.મી. સુધીના વિસ્તારમાં પલ્લી ફરીને નીજ મંદિરે પરત ફરે છે. રૂપાલની પલ્લીને અઢાર કોમ સાથે મળીને બનાવે છે. અને તે સર્વ ધર્મ સમભાવનું પ્રતિક મનાય છે. પલ્લી પર અભિષેક કરતા જે ઘી રસ્તા પર રેડાઈ જાય છે. તેને વિશેષ સમુદાયના લોકો દ્વારા એકત્રિત કરીને પ્રસાદ સ્વરૂપે લેવાતું હોય છે.
