Gandhinagar: ભાજપે પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા, પાર્ટીની વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનારા 12 નેતાઓને કર્યા સસ્પેન્ડ

|

Nov 22, 2022 | 11:46 PM

Gujarat Election 2022: ભાજપે પાર્ટીલાઈનથી વિરુદ્ધ જઈ પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારા અને અપક્ષ ઉમેદવારી કરનારા 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. જેમા વડોદરાની ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનેશ પટેલ (દિનુમામા) અને સાવલીના કુલદીપસિંહ રાઉલનો પણ સામેલ છે.

ભાજપે પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરનારા તમામ 12 નેતાઓને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં વડોદરાની વાઘોડિયા બેઠક પરથી બે ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ ટર્મમાં ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે તો પાદરાથી અપક્ષ ઉમેદવારી કરનારા દિનેશ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો વડોદરાની જ સાવલી બેઠકથી અપક્ષ ઉમેદવારી કરનારા કુલદીપસિંહ રાઉલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પ્રકારે વડોદરાના ત્રણ નેતાઓ સામે ભાજપે દંડાત્મક કાર્યવાહી કરતા પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવાયો છે.

પંચમહાલના હતુભાઈ પગીને પણ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે તો મહિસાગરના લુણાવાડાના બે નેતાઓ એસ.એમ ખાન અને ઉદયભાઈ શાહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદના ઉમરેઠથી અપક્ષ ઉમેદવારી કરનારા રમેશભાઈ ઝાલા અને ખંભાતના અમરશીભાઈ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવલ્લીના બાયડના ધવસિંહ ઝાલા અને મહેસાણાના ખેરાલુના રામસિંહ ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધાનેરાના માવજી દેસાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ડીસાના લેબજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પણ ભાજપના બળવાખોર નેતાઓને ચીમકી આપી હતી કે પાર્ટી વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનારા નેતાઓ જો તેમની ઉમેદવારી ફોર્મ પરત નહીં લે તો પાર્ટી તેમને સસ્પેન્ડ કરશે.  જેમાં કાર્યવાહી કરતા ભાજપે એકસાથે 12 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે.

Published On - 11:34 pm, Tue, 22 November 22

Next Video