Gandhinagar: અમિત શાહે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યુ ખાતમુહુર્ત, કહ્યુ- ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે ગુજરાત બનશે વિશ્વમાં નંબર વન
Gandhinagar: અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે યુનિ.ના નવા કેમ્પસનું ખાતમુહુર્ત કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે કહ્યુ કે ફોરેન્સિક સાયન્સમાં ગુજરાત વિશ્વમાં નંબર વન બનશે.
ફોરેન્સિક સાયન્સમાં વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે અને ગુજરાત નંબર વન બનશે, આ વિશ્વાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વ્યક્ત કર્યો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(NFSU)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલા અમિત શાહે કહ્યુ કે 6 વર્ષની જે પણ સજાઓ છે તે દરેક ગુનામાં ફોરેન્સિક પુરાવાને ફરજિયાત કરી દેવામાં આવશે. ફોરેન્સિક યુનિવર્સિટીએ ગુજરાત ઉપરાંત ગોવા, ભોપાલ, મણિપુરમાં કેમ્પસ શરૂ કરી દીધા છે. ફોરેન્સિક સાયન્સ(Forensic Science)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા સરકારે ખૂબ સહયોગ આપ્યો છે. આગામી સમયમાં તમામ રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સનું કેમ્પસ બનાવવાનો વિચાર છે. જે 2025 સુધીમાં પૂર્ણ કરીશું. ફોરેન્સિક વેન લેબ વિશ્વની સૌથી આધુનિક છે અને સ્વદેશી છે. દેશના દરેક જિલ્લામાં આવી લેબની વ્યવસ્થા કરવામાં આવશે. NFSU સાથે 17થી વધુ દેશો અને સંગઠનોએ 158થી વધુ એગ્રીમેન્ટ કર્યા છે.
દેશના દરેક જિલ્લામાં ફોરેન્સિક સાયન્સની મોબાઈલ લેબ આપીશુ- અમિત શાહ
અમિત શાહે કહ્યું કે- ગુજરાતમાં ફોરેન્સિક યુનિવર્સિટી નહોતી બની ત્યારે પણ ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ દેશમાં આગવું સ્થાન બનાવ્યું હતું. હવે DNA ફોરેન્સિક, સાઇબર સિક્યુરિટી અને ઈનવેસ્ટીગેટીવ ઓફ એક્સેલેન્સ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીના માધ્યમથી ભારત ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે દુનિયાનું હબ બનશે તેવો અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રથમ બેચના ઉત્તીર્ણ 1 હજાર 132 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત NFSUમાં નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ, સેન્ટર ઓફ ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલોપમેન્ટ, ત્રણ આધુનિક સેન્ટર ઓફ એક્સેલેન્સને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. એટલું જ નહીં અમિત શાહે NFSUમાં હોસ્ટેલ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન પણ કર્યું હતું.