Dahod Video : ખેતીલાયક જમીન બીનખેતીલાયક દર્શાવી વેચાણ થતુ હોવાનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

|

Jun 01, 2024 | 3:52 PM

દાહોદ શહેરમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં ભેજાબાજો ખેતીલાયક જમીન બિન ખેતી લાયક દર્શાવી બારોબાર વેચી દેતા હતા. આ ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે.

દાહોદ શહેરમાં ખેતીલાયક જમીનને બોગસ દસ્તાવેજોના આધારે બારોબાર વેચી દીધી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ કેટલાંક ભેજાબાજોએ રેવન્યુ સર્વે નંબરમાં છેડછાડ કરી હતી.તેમણે પોતાના મળતિયાઓ સાથે બોગસ હુકમોના આધારે ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી અને બારોબાર પ્લોટ વેચીને સરકારના પ્રીમીયમની ચોરી કરી.

આ મામલે પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતા સોમવાર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે. તો અન્ય એક ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરાઇ છે.આ શખ્સો ખોટી રીતે જમીનના હુકમો ઉભા કરી બારોબાર પ્લોટ વેચતા હતા અને સરકારના કરોડોના પ્રીમીયમનું નુકસાન કરતા હતા.

મહત્વનું છે કે દાહોદના રળીયાતી હોળી આંબા ખાતે આવેલી જમીનમાં કૌભાંડ ખુલ્યું છે.આરોપી શેશવ અને તેના અન્ય એક સાગરીત હારૂન પટેલે સાથે મળીને કાવતરૂં રચ્યું હતું.આ શખ્સોએ પ્રાંત અધિકારીના ખોટા હુકમને સાચા તરીકે રજૂ કરીને ખેતીલાયક જમીનને બિનખેતીલાયક પ્રસ્થાપિત કરી હતી.

જમીન વેચાણના કૌભાંડનો પર્દાફાશ

સરકારના પીએમ પ્રીમીયમની રકમનું નુકસાન કરાવી જમીનને બારોબાર વેચી મારી હતી. જે મામલે અરજી થતા અનેક હકીકત સામે આવી. દાહોદ પોલીસ અને રેવન્યુ વિભાગે સર્વે નંબરના તમામ દસ્તાવેજોની તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું.

દાહોદ પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે મુખ્ય આરોપી શૈશવ અને હારુન પટેલ સામે નામ જોગ ગુનો દાખલ કરાયો છે. તો અન્ય એક કેસમાં શેશવે કસબા વિસ્તારના જકરીયા મહેમૂદ ટેલર સાથે મળીને સર્વે 304, 305 અને 306 નંબરમાં ખેતીલાયક જમીનમાં પણ કૌભાંડ આચર્યું હતું. આ સર્વે નંબરમાં પ્લોટીંગ કરી મકાનો બનાવી બારોબાર વેચાણ કર્યા હતા.જે અંગે કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયત દ્વારા રેકોર્ડની ખરાઈ કરતા કૌભાંડ સામે આવ્યું હતું.

( વીથ ઈનપુટ- પ્રીતેષ પંચાલ ) 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video