કચ્છમાં ભાજપના પ્રચાર દરમિયાન શિવરાજસિંહનો રાહુલ ગાંધી પર પલટવાર, વીર સાવરકરનું અપમાન દેશ સહન નહીં કરે

|

Nov 18, 2022 | 3:47 PM

Gujarat Election 2022: કચ્છમાં ભાજપના પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદન અંગે સવાલ ઉઠાવ્યા. શિવરાજસિંહે કહ્યુ રાહુલ ગાંધી વારંવાર સાવરકરનું અપમાન કરી રહ્યા છે પરંતુ સાવરકરનું અપમાન દેશ સહન નહીં કરે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચાર માટે તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતારી છે. ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં સભા ગજવવાના છે. જેમા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કચ્છમાં ચૂંટણી સભા સંબોધી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન શિવરાજસિંહ ચૌહાણે રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલા નિવેદન મુદ્દે તેમની આકરી ટીકા કરી. રાહુલ ગાંધી વીર સાવરકર વિશે તથ્યહિન વાતો કરી રહ્યા છે. રાહુલ વીર સાવરકરનું અપમાન કરી રહ્યા છે તે દેશ સહન નહીં કરે.

કોંગ્રેસે માત્ર નહેરૂ પરિવારનું જ મહિમામંડન કર્યુ: શિવરાજસિંહ ચૌહાણ

શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે વીર સાવરકરે અંદામાન નિકોબારની સેલ્યુલર જેલમાં બે-બે વખત કાળાપાણીની સજા ભોગવી છે. તેમના ભાઈએ પણ આ સજા કાપી હતી. 10 વર્ષ સુધી કોંગ્રેસને ખબર જ ન પડી કે બંને ભાઈઓ કાળી કોટડીમાં કાળાપાણીની સજા ભોગવી રહ્યા છે. કોંગ્રેસે માત્ર એક નહેરૂ પરિવારનું મહિમામંડન કરવાનો પ્રયાસ કર્યો છે. શિવરાજસિંહે સવાલ ઉઠાવ્યો કે શું કોંગ્રેસે ક્યારેય શ્યામજીકૃષ્ણ વર્માને યાદ કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા.

તેમણે જણાવ્યુ કે યોગદાન યાદ ન કરો તો કંઈ નહીં પરંતુ કમસેકમ સ્વાતંત્ર્ય વીરોનું અપમાન તો ન કરો. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહી છે. જેમા કેન્દ્રીય નેતાઓ સહિત યુપીના સીએમ યોગી આદિત્યનાથે મોરબીના વાંકાનેરમાં ઝંઝાવાતી રેલી સંબોધી હતી. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવસારીમાં સભા ગજવી હતી.

Published On - 3:45 pm, Fri, 18 November 22

Next Video