દ્વારકામાં ડ્રગ્સ કનેક્શનની આશંકાને લઈને પોલીસ દ્વારા મેગા ડિમોલિશન, ગેરકાયદે બાંધકામ પર ફર્યુ બુલડોઝર
Drugs Demolition: દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. બેટ દ્વારકામાં 30થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલા તેમજ સઘન સુરક્ષા વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું.
ગુજરાતના દરિયાકાંઠેથી છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે હવે ડ્રગ્સની સિન્ડિકેટને તોડવા ગુજરાત પોલીસે કમર કસી છે. ગુજરાત પોલીસે દરિયાઇ સુરક્ષાને લઇને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાતના દરિયાઇ પટ્ટી પરના વિવાદિત સ્થળો અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં ડ્રગ્સ (Drugs)કનેક્શનની આશંકાને લઇને તંત્ર દ્વારા મેગા ડિમોલિશન (Demolition) ની કાર્યવાહી હાથ ધરવામાં આવી. યાત્રાધામ બેટ દ્વારકામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. બેટ દ્વારકામાં 30થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલા તેમજ સઘન સુરક્ષા વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું.
સિગ્નેચર બ્રિજ આસપાસના ગેરકાયદે દબાણો હટાવાયા
ઓખા – બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજની આસપાસના સ્થળો પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આથી તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરી આ દબાણો દૂર કરવામાં આવ્યા. આ દરમ્યાન ટિયર ગેસ, બુલેટપ્રૂફ જેકેટ તેમજ હથિયારોથી સજ્જ જવાનો તેમજ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત રહ્યો.
ડિમોલિશનને લઇને સમગ્ર બેટ દ્વારકાને કોર્ડન કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ પણ બંધ કરવામાં આવી. દેવભૂમિ દ્વારકામાં સૌરાષ્ટ્ર રેન્જના ડીઆઇજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે સહિત પીઆઇ, પીએસઆઇ, ડીવાયએસપી, પોલીસ જવાનો તેમજ SRPની બે કંપનીઓ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા. આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકાની જેમ જ ગીર સોમનાથ, કચ્છ તેમજ પોરબંદરની દરિયાઇ પટ્ટી પરના દબાણો દૂર કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.