ધોરાજીમાં જાહેરાતના એક મહિના બાદ પણ ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થઈ, ખુલ્લા બજારમાં ખેડૂતોને વેઠવું પડી રહ્યું છે મોટું આર્થિક નુકસાન!
રાજ્ય સરકારે 4 એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ધોરાજીમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજુ સુધી પ્રક્રિયા શરૂ થઈ નથી. પરિણામે ખેડૂતો મણ દીઠ માત્ર 400 થી 425 રૂપિયાના નીચા ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે.
રાજકોટના ધોરાજી પંથકમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગત 4 એપ્રિલથી જ ખરીદી પ્રક્રિયા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એક મહિનો વીતી જવા છતાં ધોરાજીમાં ખરીદી કેન્દ્રો શરૂ થયા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને મજબૂરીમાં ખુલ્લા બજારમાં પોતાના માલનું વેચાણ કરી રહ્યો છે.
ખેડૂતોને આર્થિક ફટકો
ખેડૂતોના જણાવ્યા અનુસાર, ખુલ્લા બજારમાં તેમને પ્રતિ મણ માત્ર 400 થી 425 રૂપિયા મળી રહ્યા છે, જે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવ કરતા ઘણા ઓછા છે. દર વર્ષે આયોજનના અભાવે ખરીદીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ સ્વીકાર્યું હતું કે, અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો છે.
તાત્કાલિક ખરીદી શરૂ કરવા માંગ
અનેક ખેડૂતોએ તો નુકસાન વેઠીને પણ પોતાનો પાક વેચી નાખ્યો છે, પરંતુ હવે જે ખેડૂતો પાસે સ્ટોક બાકી છે તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર વહેલી તકે કેન્દ્રો શરૂ કરે. જો સમયસર ખરીદી શરૂ થાય તો બાકી રહેલા ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવી શકાય તેમ છે. હાલ ખેડૂતો તાત્કાલિક અસરથી ટેકાના ભાવે તોલ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી
મંત્રી પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ: અધિકારીઓનો આકરો ઉધડો લીધો
રાજ્યમાં 8-9 જૂને ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
'AAP' ની પોલ ખૂલી! કેન્દ્રીય નેતાને ડરાવવા IBના નામે 'મોટો ખેલ' કર્યો
જામનગરમાં જીવલેણ દુર્ઘટના થતાં-થતાં રહી ગઈ- જુઓ ટાવર પડવાના CCTV
