ખેડાના ગળતેશ્વરમાં જોખમી બ્રિજને કારણે લોકોમાં ભય છતા તંત્ર બેદરકાર, જુઓ વીડિયો

|

Nov 17, 2023 | 8:06 PM

ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદી પર આવેલા બ્રિજનું નામ પણ ભ્રષ્ટાચાર થયેલા બ્રિજની યાદીમાં જોડાયું છે. આ બ્રિજ પર ઠેર-ઠેર તિરાડો બહાર ડોકાતા સળિયા લોકો માટે ભય ઊભો કરી રહ્યા છે. અહીં જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે. બ્રિજ તૂટવાની ભીતિની માહિત અધિકારીને નહીં હોવાનુ ફલિત થઈ રહ્યું છે. મહત્વનુ છે કે પૂરના પાણીમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત બની ગયો છે.

ગુજરાતના અનેક શહેરોમાં ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા બ્રિજ લોકો માટે જોખમી બન્યા છે. ત્યારે હવે ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદી પર આવેલા બ્રિજનું નામ પણ આ યાદીમાં જોડાયું છે.

આમ તો આ બ્રિજ પરથી અવરજવર કરવાની મનાઈ છે. પરંતુ જો મજબૂરીમાં પણ તમારે આ બ્રિજ પરથી પસાર થવાનું થયું તો ચોક્કસ ભયના માર્યા ધ્રુજી ઉઠશો. કેમકે આ બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે કે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમી બની ગયો છે.

નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ધોવાઈ ગયો હોવાથી તંત્ર દ્વારા આ બ્રિજ છેલ્લા બે મહિનાથી બંધ કરવામાં આવ્યો છે. પરંતુ ખેડાના ગળતેશ્વર અને વડોદરાના ડેસર તાલુકાને જોડતો આ એકમાત્ર રસ્તો હોવાથી લોકો નાછૂટકે આ બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.

પૂરના પાણીમાં બ્રિજ એટલો ક્ષતિગ્રસ્ત બની ગયો છે કે તેના પરથી ચાલીને જવું પણ મુશ્કેલ છે. બ્રિજ પરના રોડમાંથી ઠેકઠેકાણે સળિયા બહાર નીકળી આવ્યા છે. મોટા ભાગના રોડ પર જ્યાં નજર કરો ત્યાં સળિયા બહાર ડોકાઇ રહ્યા છે.

ગત 17 સપ્ટેમ્બરના રોજ કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા આ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પૂરના પાણીમાં બ્રિજનો ઘણો ભાગ ધોવાઈ ગયો.

બે મહિના વીતવા છતાં માર્ગ અને મકાન દ્વારા બ્રિજના સમારકામની કોઈ કામગીરી નથી કરાઈ. ટીવી નાઇનની ટીમે જ્યારે અધિકારીને આ અંગે સવાલ કર્યો તો તેઓ જવાબ ટાળતા નજરે પડ્યા. અધિકારીને તો રિપેરિંગની કામગીરી અને નુકસાન અંગે કોઇ માહિતી નથી. પરંતુ સવાલ એ છે કે દિવસે ને દિવસે જોખમી બનેલા બ્રિજનું સમારકામ ક્યારે થશે ?

આ પણ વાંચો : ખેડા વીડિયો : ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈ વિવાદ, તંત્રની મંજૂરી ન લીધી હોવાથી વિરોધ કરાયો

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:06 pm, Fri, 17 November 23

Next Video