Dahod : સાંસદની શૈક્ષણિક સંસ્થા પર લાગ્યો આક્ષેપ, સ્કૂલમાં ચાલી રહી છે ‘લૂંટ’ – જુઓ Video
દાહોદમાં લીમખેડાની ખાનગી સ્કૂલના સંચાલકોએ શિક્ષણ જગતને એક ધંધો બનાવી રાખ્યો છે. જણાવી દઈએ કે, આ સ્કૂલ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
દાહોદમાં ખાનગી સ્કૂલ દ્વારા ઉઘાડી લૂંટ ચાલી રહી છે. દાહોદમાં ખાનગી સ્કૂલના સંચાલકોની પોલ ખોલતી ઘટના સામે આવી છે. એક જાગૃત વાલીએ શિક્ષણ જગતને લાંછન લગાવતી અને ખાનગી સ્કૂલ દ્વારા ચાલતી લૂંટનો પર્દાફાશ કર્યો છે. લીમખેડાના એક વાલીએ પોતાના વિદ્યાર્થીનું ‘કે.જે.ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ’માંથી LC કઢાવવાનો નિર્ણય કર્યો અને સ્કૂલ સમક્ષ પોતાની રજૂઆત કરી.
સ્કૂલ સંચાલકોએ કરી માંગણી
હવે LC કાઢવા માટે સ્કૂલ સંચાલકોએ વાલી પાસે રૂપિયા 16 હજારની માંગણી કરી હતી. જો કે, ભારે માથાકૂટ બાદ સ્કૂલ સંચાલકોએ 5 હજારમાં દાખલો આપવાની વાત કરી હતી. ત્યારબાદ વાલીએ સ્કૂલ સંચાલકને રૂપિયા 5 હજાર રોકડા ગણીને આપ્યા અને સ્ટિંગ ઓપરેશન કરીને આ ઘટનાનો પર્દાફાશ કર્યો.
ક્લાર્કની દાદાગીરી
સ્ટિંગ ઓપરેશનમાં સ્કૂલનો ક્લાર્ક ‘પુરી ફી નહીં આપો તો પાવતી નહીં મળે’ તેવી દાદાગીરી કરતો સાંભળવા મળ્યો છે. આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરનું પણ નિવેદન સામે આવ્યું છે.
ડિંડોરનું કહેવું છે કે, DEOને કહીને તપાસના આદેશ આપ્યા છે અને આવી ઘટનાને સરકાર સાંખી નહીં લે. કોઈપણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે તેવું ડિંડોરનું કહેવું છે. નોંધનીય છે કે, સાંસદની સ્કૂલ બાબતે સવાલ કરતા પ્રધાને મૌન સેવ્યું હતું.
