ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે સૌ કોઈની નજર પરિણામ પર છે. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બની રહી છે. જોકે, કોંગ્રેસ જીતને લઈ હકારાત્મક જોવા મળી રહી છે. AAPમાંથી ફરી હાથનો સાથ દેનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. આમ આદમી પાર્ટી B ટીમ તરીકે આવી અને તેણે ભાજપના મત તોડ્યા છે. જેનો કોંગ્રેસને ફાયદો થશે તેવો દાવો વ્યક્ત કર્યો.
તો વધુમાં કહ્યું કે, આ વખતે કોઈ મોદી લહેર નથી, જનતાએ મોંઘવારી ,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે. તેથી એક્ઝિટ પોલ દર વખતની જેમ ખોટા પડશે અને કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે. રાજકોટ બેઠકને લઈ તેઓએ જણાવ્યું છે કે, 2012 માં અમે ભાજપના ગઢમાં ગાબડુ પડ્યું હતું. તો રાજકોટ શહેરની 4 બેઠકમાંથી ઓછામાં ઓછી 2 બેઠક કોંગ્રેસને મળશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ અંગે જણાવ્યું કે, આજે સામાન્ય વ્યક્તિ પણ કંઈ પણ બોલતા ડરે તે પ્રકારનો માહોલ ભાજપે ઉભો કર્યો છે. અને અમે તેમની વિરુધ્ધ બોલી રહ્યા છીએ. જેમાં કોઈ નબળા નેતાએ ભાજપમાં જાય તેનાથી કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી. તો આ સાથે જ જણાવ્યું કે કોંગ્રેસ એક વખત કોંગ્રેસ સરકાર બનાવે તે બાદ ભાજપ અમારા નેતાને લઈ જાય તો હું માનું. હાલ એક્ઝિટ પોલ ભાજપ તરફ જીત હોવાનું કહી રહી છે, જોકે કોંગ્રેસી નેતાઓ વિજયનો રાગ આલાપી રહ્યા છે.