Breaking news: ઈરાન ઈઝરાયલ યુદ્ધમાં સુરતનું ટેક્સટાઈલ માર્કેટ શેકાયું, વિવિંગ યુનિટોમાં પ્રોડક્શન કાપનો ઐતિહાસિક નિર્ણય, માત્ર 12 કલાક જ ચાલશે મશીનો
મિડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઉદ્યોગને આર્થિક નુકસાનથી બચાવવા અને કામદારોની રોજગારી ટકાવી રાખવા માટે 'ફોગવા' (FOGWA) ની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતના ધમધમતા કાપડ ઉદ્યોગ પર વૈશ્વિક યુદ્ધના વાદળો છવાયા છે. મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એક્સપોર્ટ અને ડિમાન્ડ પર માઠી અસર પડતા સુરતની વિવિંગ ઈન્ડસ્ટ્રીએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કડક નિર્ણયો લેવાની ફરજ પડી છે. ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન (ફોગવા) ની મળેલી મહત્વની બેઠકમાં ઉત્પાદન પર કાપ મૂકવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.
ઉત્પાદનમાં 50 ટકાનો કાપ અને નવી વ્યવસ્થા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ઉદ્યોગકારોને ઓછામાં ઓછું નુકસાન થાય તે હેતુથી હવે વિવિંગ યુનિટોમાં 12 કલાકની એક જ પાળી ચલાવવામાં આવશે. અગાઉ જે યુનિટો દિવસ-રાત એટલે કે 24 કલાક ચાલતા હતા, તેમાં હવે કામના કલાકો અડધા કરી દેવાયા છે. આ ઉપરાંત, અઠવાડિયામાં એક દિવસ ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે, જેથી બજારમાં માલનો ભરાવો ન થાય અને ભાવ જળવાઈ રહે.
કામદારોના હિતનું રક્ષણ
ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે, આ કપરા સમયમાં સૌથી મોટી ચિંતા કામદારોની રોજીરોટીની છે. કામદારો બેકાર ન બને તે માટે તેમને અઠવાડિયામાં બે રજા આપવાનું નક્કી કરાયું છે, જેથી તેમનો રોજગાર ચાલુ રહે અને એકમો પરનો આર્થિક બોજ પણ હળવો થાય. જોકે, જે ઈન્ડસ્ટ્રીઝ 24 કલાક ચલાવવા સક્ષમ છે અને ચાલુ રાખવા માંગે છે, તેમનો કોઈ વિરોધ કરવામાં આવશે નહીં.
યુદ્ધની લાંબી અસરની ભીતિ
સુરતના કાપડ ઉદ્યોગના અગ્રણીઓ માની રહ્યા છે કે જો મિડલ ઈસ્ટમાં સ્થિતિ જલ્દી સામાન્ય નહીં થાય, તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં સ્ટોક ખાલી કરવા અને નવા ઓર્ડરના અભાવે આ ‘પ્રોડક્શન કાપ’ જ એકમાત્ર રસ્તો દેખાઈ રહ્યો છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં વિવર્સ અને વિવિધ એસોસિએશનના આગેવાનો હાજર રહ્યા હતા અને આર્થિક કટોકટી સામે લડવા એકતા દર્શાવી હતી.