Surat Fire Breaking : સુરત શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં ઘટસ્ફોટ, અકસ્માત નહીં ષડયંત્ર, શખ્સે આગ ચાંપી ₹24 કરોડનું નુકસાન કર્યું!
સુરતના શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનો મોટો ખુલાસો થયો છે. CCTVમાં એક અજાણ્યો શખ્સ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપતો કેદ થયો છે. આ ઘટનામાં 17 દુકાનો અને 4 મોટા વેપારીઓને ₹24 કરોડનું જંગી નુકસાન થયું છે.
સુરતના શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી ભીષણ આગ મામલે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગતી આ ઘટના વાસ્તવમાં કોઈ મોટું પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. માર્કેટના CCTV કેમેરા તપાસતાં સમગ્ર હકીકત બહાર આવી છે. ફૂટેજમાં મોઢે સફેદ રૂમાલ બાંધેલો એક અજાણ્યો શખ્સ માર્કેટના છઠ્ઠા માળે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપતો સ્પષ્ટપણે નજરે પડે છે. આગ લગાડ્યા બાદ આ શખ્સ ત્યાંથી તરત જ ફરાર થઈ ગયો હતો.
આ ભયાનક આગની લપેટમાં આવી જતાં બિલ્ડિંગ સહિત અંદાજે 17 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. ખાસ કરીને 4 મોટા કાપડ વેપારીઓને આ અગ્નિકાંડમાં આશરે 24 કરોડ રૂપિયાનું તોતિંગ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધીને આગ ચાંપનારા અજાણ્યા શખ્સની શોધખોળ તેજ કરી છે.

