Surat Breaking: આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ‘GUCCI’ના ડુપ્લિકેટ પરફ્યુમનું નેટવર્ક ઝડપાયું-પોલીસે વેપારીની કરી ધરપકડ !
સુરતના લસકાણા વિસ્તારમાં પ્રખ્યાત બ્રાન્ડ 'GUCCI FLORA' ના ડુપ્લિકેટ પરફ્યુમ વેચવાના મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કંપનીની લીગલ ટીમની બાતમી બાદ હાથ ધરાયેલા દરોડામાં 219 બોટલો અને 1,061 નકલી સ્ટીકરો સાથે કતારગામના વેપારીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
સુરત શહેરની લસકાણા પોલીસે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ‘GUCCI FLORA’ ના નામે ચાલતા નકલી પરફ્યુમના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુચી ફ્લોરા કંપનીની લીગલ ટીમના ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે લસકાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લસકાણા વિસ્તારમાં આવેલા ‘સ્કાયવ્યૂ બિઝનેસ હોરાઇઝન’ ની ઓફિસ નંબર-101માં દરોડો પાડતાં ત્યાંથી બ્રાન્ડેડ પરફ્યુમનું નકલી પેકિંગ અને ગેરકાયદે વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી ગેરકાયદે વેપાર કરી રહેલા કતારગામના વેપારી સંદીપભાઈ જાદવભાઈ બેલડીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 219 જેટલી પરફ્યુમની બોટલો અને બ્રાન્ડના 1,061 નકલી સ્ટીકરો સહિત કુલ ₹45,900થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે લસકાણા પોલીસે ઝડપાયેલા વેપારી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ, 1957 ની કલમ 51 અને 63 હેઠળ ગુનો નોંધી, આ નકલી પરફ્યુમ ક્યાંથી મંગાવવામાં આવતું હતું અને અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં કાયદેસરની તપાસ તેજ કરી છે.
