Breaking News: PM મોદીની ફરી એકવાર અપીલ : વિદેશી મુદ્રા બચાવવા માટે સોનું, ઈંધણ અને વિદેશી પ્રવાસનો વપરાશ ઘટાડવા જનતાને આહવાન
વૈશ્વિક સંકટ અને ખોરવાયેલી સપ્લાય ચેઈન વચ્ચે વડાપ્રધાને દેશવાસીઓને રાષ્ટ્રહિતમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાથી લઈ એક વર્ષ માટે સોનું ન ખરીદવા સુધીની અપીલને વિવિધ એસોસિએશનોએ આવકારી છે. આ પહેલથી દેશના અબજો રૂપિયા વિદેશ જતા અટકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક અને તેલંગાણા બાદ હવે ગુજરાતના પ્રવાસ દરમિયાન દેશના સંસાધનો પર પડતા બોજને હળવો કરવા માટે ભારતીયોને ‘સ્વદેશી’ અને ‘કરકસર’નો મંત્ર આપ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે હાલમાં વિદેશથી આવતા ઉત્પાદનોની કિંમતો આસમાને પહોંચી છે અને સપ્લાય ચેઈન વેરવિખેર થઈ ગઈ છે. આવા સમયે દેશની વિદેશી મુદ્રા (Foreign Exchange) બચાવવા માટે દરેક નાગરિકે નાના-નાના સંકલ્પો લેવા પડશે.
સોનું અને વિદેશ પ્રવાસ પર ભાર
વડાપ્રધાને આગામી એક વર્ષ માટે સોનું ન ખરીદવા અપીલ કરી છે. આ અપીલને અમદાવાદ જ્વેલરી એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે. એસોસિએશનના મતે, જો લોકો સોનાની નવી ખરીદી ટાળે તો વાર્ષિક અંદાજે 72 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે. નિષ્ણાતોએ શુભ પ્રસંગોએ જૂના સોનામાંથી જ નવા દાગીના બનાવવાની સલાહ આપી છે. તે જ રીતે, ભારતીયો દ્વારા વિદેશ પ્રવાસ પાછળ થતા 3.5 લાખ કરોડના ખર્ચને રોકવા માટે ‘ડોમેસ્ટિક ટુરિઝમ’ને પ્રોત્સાહન આપવા જણાવાયું છે, જેથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય.
ઇંધણ બચાવવા નવી જીવનશૈલી
ક્રૂડ ઓઈલની આયાત પાછળ દેશનો મોટો હિસ્સો ખર્ચાય છે. વડાપ્રધાને નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રોનો ઉપયોગ વધારવા તેમજ કાર પૂલિંગ કરવા વિનંતી કરી છે. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ચ્યુઅલ મીટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ને પ્રાથમિકતા આપવા તેમજ શાળાઓને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ અપનાવવા આગ્રહ કર્યો છે.
આ સંકટના સમયે દેશને જનભાગીદારીની તાતી જરૂર છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જેમ ભૂતકાળમાં ભારતીયોએ મોટા સંકટોમાં સરકારને સાથ આપ્યો છે, તેમ આ વખતે પણ દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવી દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ પહોંચાડશે.
