Breaking News : અમદાવાદમાં ‘અનસ ગ્રુપ’ પર EDના મેગા દરોડા : ₹1 કરોડની રોકડ અને 80 કિલો ચાંદી સહિત કરોડોની મિલકત જપ્ત
અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં EDએ 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન વિદેશી ચલણ, સોનાના બિસ્કિટ અને મોટાપાયે ચાંદીના બાર મળી આવતા ચકચાર મચી ગઈ છે.
અમદાવાદમાં એમ્બર અને ઉમદા ટોબેકો જેવી જાણીતી બ્રાન્ડ સાથે સંકળાયેલા અનસ ગ્રુપ અને તેના ભાગીદારો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ફેમા (FEMA) કાયદા હેઠળ અમદાવાદમાં કુલ 9 સ્થળોએ દરોડા પાડીને EDએ કરોડોની અઘોષિત સંપત્તિ ઝડપી પાડી છે.
જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો:
તપાસ દરમિયાન EDની ટીમને સર્ચ ઓપરેશનમાં નીચે મુજબની સંપત્તિ મળી આવી છે, રોકડ: ₹1.01 કરોડની ભારતીય ચલણી નોટો, વિદેશી ચલણ: ₹33.34 લાખની કિંમતની વિદેશી નોટો, સોનું: વિદેશી ચિન્હવાળા 1.6 કિલો વજનના 16 સોનાના બાર (કિંમત આશરે ₹2.5 કરોડ), ચાંદી: 80 કિલો વજનના 168 ચાંદીના બાર (કિંમત આશરે ₹2 કરોડ).
દુબઈમાં મિલકતો અને ગુનાહિત દસ્તાવેજો
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટી પ્રોપર્ટી છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે, જે મોટાપાયે નાણાકીય ગેરરીતિ તરફ ઈશારો કરે છે.
ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ દ્વારા એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સનું ઉત્પાદન અને પેકેજિંગ કરવામાં આવે છે. હાલમાં EDએ તમામ પુરાવાઓ એકત્ર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Input Credit: Sachin Patil-