BREAKING NEWS: સુરતના સચિનમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટો સાથે ભીષણ અગ્નિકાંડ, મેજર કોલ જાહેર

| Edited By: | Updated on: Mar 11, 2026 | 3:53 PM

સુરતના સચિન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક કંપનીના ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં 10 થી વધુ બ્લાસ્ટ થયા હતા, જેને પગલે ફાયર વિભાગ દ્વારા 'મેજર કોલ' જાહેર થતા 20 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

સુરતના સચિન વિસ્તારમાંથી આગની એક અત્યંત ડરામણી ઘટના સામે આવી રહી છે. સચિન નોટીફાઇડ એરિયામાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

ધડાકાઓથી ધણધણી ઉઠ્યો વિસ્તાર

આગ લાગ્યા બાદ કંપનીના ગોડાઉનમાં રાખેલા કેમિકલ કે અન્ય જ્વલનશીલ પદાર્થોને કારણે એક પછી એક 10 થી વધુ પ્રચંડ બ્લાસ્ટ થયા હતા. આ ધડાકાઓ એટલા જોરદાર હતા કે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે.

ફાયર બ્રિગેડનો મેજર કોલ

આગની ગંભીરતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો છે. હાલ સુરત ફાયર વિભાગ અને સચિન નોટીફાઇડ એરિયાના 20 થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ વિકરાળ જ્વાળાઓને જોતા આગ પર પૂર્ણ કાબૂ મેળવવામાં હજુ કલાકોનો સમય લાગી શકે છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Mar 11, 2026 03:18 PM
Follow Us