Breaking News: ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ, ‘વિરોધ પક્ષ નહીં, પોતાના જ લોકો નડે છે’
નર્મદામાં યોજાયેલી ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીના આંતરિક જૂથવાદ અને કેટલાક કાર્યકરોની પ્રવૃત્તિઓ અંગે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષને વિરોધ પક્ષ કરતાં પોતાના જ કેટલાક લોકો વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.

બેઠકમાં મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના કેટલાક કાર્યકરો દારૂ અને જુગારના અડ્ડાઓ સાથે સંકળાયેલા છે, જેના કારણે વિસ્તારમાં આવા ગેરકાયદેસર ધંધાઓ ધમધમી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પક્ષની છબીને નુકસાન પહોંચાડે છે અને સામાન્ય કાર્યકરોમાં પણ ખોટો સંદેશ જાય છે.
દારૂ અને જુગારના દુષણને પ્રોત્સાહન આપતા લોકો સામે સમય આવ્યે ખુલાસા કરશે
સાંસદે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે દારૂ અને જુગારના દુષણને પ્રોત્સાહન આપતા લોકો સામે સમય આવ્યે તેઓ ખુલાસા કરશે. તેમણે કહ્યું કે પાર્ટીના નામનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે.
મનસુખ વસાવાના નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. તેમના નિવેદનને ભાજપની આંતરિક સ્થિતિ અને જૂથવાદ તરફ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કાર્યકરો અને સ્થાનિક નેતાઓ અંગે કરવામાં આવેલા આક્ષેપો રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
સાંસદે ભારપૂર્વક જણાવ્યું હતું કે પક્ષની છબી જાળવવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી છે. હવે પાર્ટી આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.