Breaking News : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા! વિજ્ઞાન જાથાના તમામ કાર્યક્રમ રદ કરાવાયા, તો પરષોત્તમ પીપળિયાએ માગ્યુ પ્રોટેક્શન
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાનકથા અને દિવ્ય દરબાર પહેલા વિવાદ વધુ ઘેરાયો છે. અગાઉ રાજકોટ અને અન્ય શહેરોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો અને વિવાદાસ્પદ નિવેદ આપવાના આરોપો પણ લાગ્યા હતા જે બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતુ.
રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાનકથા અને દિવ્ય દરબાર પહેલા વિવાદ વધુ ઘેરાયો છે. અગાઉ રાજકોટ અને અન્ય શહેરોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો અને વિવાદાસ્પદ નિવેદન આપવાના આરોપો પણ લાગ્યા હતા, જે બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતુ. જોકે તે બાદ સામાજિક આગેવાન અને એડવોકેટ પરષોત્તમ પીપળિયાએ પોલીસ રક્ષણની માંગ સાથે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને ભૂત-પ્રેત તથા ડાકણ જેવી બાબતો બતાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા
પરષોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે જો અંધશ્રદ્ધા ફેલાવનારને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે તો તેમના જેવા આલોચકોને પણ રક્ષણ મળવું જોઈએ. તેમણે દાવો કર્યો કે કાર્યક્રમમાં ધર્મઝનૂની તત્વો હાજર હોઈ શકે છે, જેના કારણે તેમના જીવને જોખમ છે. પીપળિયાના જણાવ્યા મુજબ આયોજકોએ મીડિયા મારફતે આમંત્રણ આપ્યું છે, પરંતુ તેમને વ્યક્તિગત આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ રક્ષણ મળે કે ન મળે, તેઓ દિવ્ય દરબારમાં જવાના છે.
વિજ્ઞાન જાથાએ વિરોધ વચ્ચે તમામ કાર્યક્રમો કર્યા રદ
બીજી તરફ, ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમના વિરોધમાં વિજ્ઞાન જાથા દ્વારા જાહેર કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અગાઉ ધીરેન્દ્ર શાસ્ત્રી પર દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો અને વિરોધ રેલી તેમજ ધરણાંની જાહેરાત કરી હતી.
જોકે, પોલીસ તંત્રએ આવા કાર્યક્રમોને પરવાનગી ન આપતા 5 જૂનથી 7 જૂન દરમિયાન યોજાનારા વિરોધ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ વિરોધ કાર્યક્રમોથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે તેવી શક્યતા હોવાથી મંજૂરી આપવામાં આવી નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ કાર્યક્રમ પહેલા મામલો ગરમાયો
આ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ કાર્યક્રમ પહેલા સમર્થકો અને વિરોધીઓ વચ્ચેનો વિવાદ વધુ ગરમાયો છે, જ્યારે પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યું છે.