Breaking News : ગોધરા વોર્ડ-7માં મુસ્લિમ મતદારોનો હિંદુ ઉમેદવારને સાથ, અપેક્ષાબેન સોનીએ જીત મેળવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોધરા પાલિકાના વોર્ડ નં-7માં એક નવો જ અધ્યાય લખાયો છે. ગોધરાના વોર્ડ નં-7માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષા સોનીએ જીત મેળવી છે.
ગુજરાતના રાજકારણમાં અને સામાજિક સમરસતાના ઈતિહાસમાં ગોધરાએ એક નવો અધ્યાય લખ્યો છે.ગોધરા પાલિકાની 2026ની ચૂંટણીમાં વોર્ડ નં.7માંથી હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોનીએ મુસ્લિમ મતદારોના સાથ અને વિશ્વાસથી જંગી બહુમતી મેળવી વિજય પતાકા લહેરાવી છે. જ્યાં એક પણ હિન્દુ મત નથી, તેવા વિસ્તારમાં મળેલી આ જીતે સમગ્ર રાજ્યમાં ગંગા-જમના તહેઝીબનો સાચો પરિચય આપ્યો છે.
અપેક્ષાબેનને ઢગલાબંધ વોટ આપીને વિજયી બનાવ્યા
ગોધરા નગરપાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં પણ અપેક્ષાબેન સોની વોર્ડ 7માંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યારે માત્ર 100 મતોના નજીવા અંતરથી તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાર્યા બાદ પણ તેમણે આ વિસ્તારના લોકો સાથેનો સંપર્ક તોડ્યો નહોતો. તેમના પરિવાર દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો અને લોકોની મુશ્કેલીમાં ખડેપગે રહેવાની તેમની શૈલીને કારણે 2026માં મુસ્લિમ સમાજે તેમના પર અતૂટ વિશ્વાસ મૂક્યો અને 2762 મતો આપીને વિજયી બનાવ્યા. તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નં.7માં હિન્દુ મતદારોની સંખ્યા શૂન્ય હોવા છતાં મુસ્લિમ મતદારોએ અપેક્ષાબેનને ઢગલાબંધ વોટ આપીને વિજયી બનાવ્યા હતા.
વોર્ડ નંબર 7 જે સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તી ધરાવે
પરિણામ જાહેર થતા જ અપેક્ષાબેન ભાવુક થઈ રડી પડ્યા હતા. ગોધરાના ઈતિહાસમાં આ ઐતિહાસિક પળ છે. વર્ષ 2002 સુધી વારંવાર કોમી રમખાણોનો ભોગ બનેલા આ શહેરમાં આજે એક્તાની નવી સુવાસ ફેલાઈ છે. વોર્ડ નંબર 7 જે સંપૂર્ણપણે મુસ્લિમ વસ્તી ધરાવે છે, ત્યાં એક પણ હિન્દુ મતદાતા ન હોવા છતાં સોની સમાજના મહિલા અપેક્ષાબેન સોનીએ જીત મેળવી રેકોર્ડ સ્થાપ્યો છે. અપેક્ષાબેને આ જીતને લઘુમતી સમાજનો તેમના પરનો ભરોસો ગણાવ્યો છે અને ખાતરી આપી કે તેઓ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને પ્રશ્નોને નિષ્ઠાપૂર્વક હલ કરશે.
