Breaking news: ગાંધીનગરના દહેગામમાં દૂધ વિવાદે લીધો ઉગ્ર વળાંક, પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પશુપાલકો દ્વારા 19 માર્ચે બંધનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોની સંકલન સમિતિએ આ નિર્ણય લીધો છે, જેમાં દહેગામ APMC સહિત તમામ વેપારિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પશુપાલકો દ્વારા 19 માર્ચે બંધનું એલાન આપવામાં આવ્યું છે. પશુપાલકોની સંકલન સમિતિએ આ નિર્ણય લીધો છે, જેમાં દહેગામ APMC સહિત તમામ વેપારિક પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકો લાંબા સમયથી પોતાની પડતર માગોને લઈને તંત્ર અને સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ ન મળતા તેઓ હવે આક્રમક મૂડમાં આવી ગયા છે.
આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે
પશુપાલકોએ એકઠા થઈ રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. ખાસ કરીને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવાનું બંધ કરવાના મુદ્દે વિવાદ વધુ વકર્યો છે, જેના કારણે પશુપાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
દહેગામમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે અગાઉ પણ પશુપાલકોએ રસ્તા પર દૂધ વહાવી વિરોધ નોંધાવ્યો હતો અને વિધાનસભા તરફ કૂચ પણ કરી હતી. હવે બંધના એલાન બાદ દહેગામમાં સામાન્ય જીવન પર તેની અસર જોવા મળી શકે છે. વેપારીઓ અને સ્થાનિકોમાં પણ આ મુદ્દે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.