Breaking news: ગઢડામાં હનીટ્રેપનો મોટો ભાંડો ફૂટ્યો, યુવકને ફસાવી 2.48 લાખની માંગણી કરી, એક આરોપી ઝડપાયો
બોટાદ જિલ્લાના ગઢડામાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મહિલા સહિત અન્ય 6 આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને લાઠીદડ ગામના એક યુવકને નિશાન બનાવ્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ યુવકને ગઢડા ખાતે ITI રોડ પર આવેલા એક મકાનમાં બોલાવ્યો હતો. ત્યાં અગાઉથી જ બે મહિલાઓ હાજર હતી. યુવક સ્થળ પર પહોંચતા જ આરોપીઓએ યુવકના મહિલાઓ સાથે ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.
યુવકને બ્લેકમેઈલ કરવામાં આવ્યો
ત્યારબાદ યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી લાખો રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. ધમકી અને દબાણના કારણે યુવકે આરોપીઓને કુલ 2 લાખ 48 હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
અન્ય છ આરોપીઓ હજુ ફરાર
ઘટનાની જાણ થતાં યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તેમની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
પ્રાથમિક તપાસમાં આ એક સુનિયોજિત હનીટ્રેપ રેકેટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ આગળ વધતા આ કેસમાં વધુ લોકોના નામ અને અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે.