Breaking News: બગદાણાના સેવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરને મળ્યા જામીન
ભાવનગરમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 6 આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. 14 દિવસના જેલવાસ બાદ તમામ આરોપીઓ જેલમુક્ત થયા છે.
ભાવનગરના ચકચારી નવનીત બાલધિયા હુમલા કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરના જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં છેલ્લા 14 દિવસથી જેલમાં બંધ જયરાજ આહીર હવે જામીન પર મુક્ત થઈ ભાવનગર જેલની બહાર આવ્યા છે.
સમગ્ર મામલો અને કોર્ટની કાર્યવાહી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે જયરાજ આહીર અને અન્ય શખ્સોની ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ આઠ આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા હતા. આજે થયેલી સુનાવણીમાં કોર્ટે જયરાજ આહીર સહિત અન્ય 6 આરોપીઓના પણ જામીન મંજૂર કરવાનો આદેશ આપ્યો છે.
14 દિવસ બાદ જેલમુક્તિ હુમલાના આક્ષેપ બાદ જયરાજ આહીરને ભાવનગર જેલમાં રાખવામાં આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા બાદ આજે 14મા દિવસે તેમના જામીન મંજૂર થતા તેઓ જેલમાંથી મુક્ત થયા છે. જયરાજના જામીન મંજૂર થતા તેમના સમર્થકો અને પરિવારમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસને લઈને ભાવનગર પંથકમાં ભારે ચર્ચા જાગી હતી.
શું હતો સમગ્ર મામલો
29 ડિસેમ્બરના રોજ બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધીયા પર હુમલાની ઘટના બની હતી. આમાં મુખ્ય ષડયંત્રકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસ કે SIT ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી ન હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. હવે આને પગલે કોળી સમાજ હાલ રોષમાં છે અને તેમણે હવે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગરમાં યોજાનારા કોળી સમાજના સંમેલનને લઈને સમાજમાં આંતરિક ફાંટા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ આ સંમેલનના ઉદ્દેશ્યથી હજુ સુધી અજાણ છે.