Gandhinagar Breaking: “ઉમેદવાર બચાવવા બહાર ખસેડવા પડે તે કેવી લોકશાહી ?”: ભાજપ પર ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ ચૂંટણી કમિશનરના દ્વારે
ગાંધીનગર મનપા ચૂંટણીમાં સરકારી તંત્ર અને પોલીસના દુરુપયોગના આક્ષેપ સાથે કોંગ્રેસ ચૂંટણી પંચ પહોંચી છે. ફોર્મ પરત ખેંચાવવાના ડર વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા) ની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વહીવટી તંત્રના દુરુપયોગ અને પોલીસ દબાણના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજ્ય ચૂંટણી કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપને ચૂંટણી હારવાનો ડર સતાવી રહ્યો છે. વોર્ડ નંબર 6 અને 7 ના ઉમેદવારો તેમજ તેમના સંબંધીઓને ત્યાં પોલીસ અધિકારીઓ પહોંચી દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે; અમારે ઉમેદવારોને બચાવવા બહાર ખસેડવા પડે તે કેવી લોકશાહી?”
સંભવિત દબાણ અને ફોર્મ પરત ખેંચાવવાના ભયને પગલે કોંગ્રેસે પાણી પહેલાં પાળ બાંધીને તમામ ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા છે. તેમની સુરક્ષા માટે સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ફોર્મ ચકાસણી દરમિયાન વકીલોની ટીમ હાજર રહેશે અને ફોર્મ ખેંચવાની છેલ્લી મુદત વીત્યા બાદ ઉમેદવારો સીધા પ્રચારમાં જોડાશે.
