સાઈબર ક્રાઈમ માટે કુખ્યાત જામતારામાંથી ભરૂચ પોલીસે ઝડપ્યો 2000થી વધુ લોકોને ભોગ બનાવનાર રીઢો સાયબર ઠગ

સાઈબર ક્રાઈમ માટે કુખ્યાત જામતારામાંથી ભરૂચ પોલીસે ઝડપ્યો 2000થી વધુ લોકોને ભોગ બનાવનાર રીઢો સાયબર ઠગ

| Edited By: | Updated on: Oct 10, 2025 | 7:18 PM

ભરૂચ પોલીસના હાથે ઝડપાયેલ આરોપી રાજેશ મંડલે, દેશભરના લોકોને સાયબર ફ્રોડનો ભોગ બનાવવા માટે જામતારામાં ઓફિસ બનાવી હતી. જેમાં 70 લોકોને નોકરીએ રાખ્યા હતા.

ભરૂચ પોલીસે, 2000થી વધુ લોકો સાથે સાઈબર ફ્રોડ કરનારા રીઢા ગુનેગારને ઝારખંડના કુખ્યાત જામતારામાંથી ઝડપી પાડ્યો છે. ઝારખંડના જામતારાને મોટાભાગે સાયબર ક્રાઈમ માટે ઓળખવામાં આવે છે. આ એક એવો વિસ્તાર છે જયાથી સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ કરવામાં આવે છે. ભરૂચ પોલીસે ઝારખડ પોલીસની મદદથી સાયબર ફ્રોડના રીઢા ગુનેગાર રાજેશ મંડલને ઝડપી પાડ્યો છે. રાજેશ મંડલે, સમગ્ર દેશમા ઓછામાં ઓછા 2000થી વધુ લોકોને અવનવા પ્રકારે સાયબર ફ્રોડમાં ફસાવીને કરોડો રૂપિયા પડાવી લીધા છે.

દેશના સાઇબર ક્રાઇમ હબ અને ફિશિંગ કેપીટલ ગણાતા ઝારખંડના જામતારામાં ભરૂચ પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. 2018 લોકોને સાઈબર ફ્રોડનો શિકાર બનાવનાર રાજેશ મંડલને ઝડપી પાડી ભરૂચ લવાયો છે. 24 વર્ષીય રાજેશ મંડલે સાઇબર ફિશિંગ સ્કેમ માટે 70 લોકોને નોકરી પર રાખી સાઇબર ક્રાઇમની ઓફિસ ચલાવતો હતો. ડિસેમ્બર 2024 માં પોલીસ કોન્સ્ટેબલ યોગેશ ઠાકોરના ખાતામાંથી ફ્રોડ દ્વારા 5.50 લાખની છેતરપિંડી બાદ તપાસમાં આખું નેટવર્ક સામે આવ્યું.

ભરૂચ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર વી બી બારડે ત્રણ દિવસ ભરૂચ અને ઝારખંડના 25 પોલીસકર્મીઓની ટીમ સાથે વોચ ગોઠવી તક મળતા રાજેશ મંડલને ઝડપી પાડી ભરૂચ રવાના થયા છે. જામતારાને ભારતનું “ફિશિંગ કેપિટલ” કહેવામાં આવે છે. અડધાથી વધુ ઓનલાઇન ફ્રોડ અને ફિશિંગના ગુનાને અહીંથી અંજામ અપાય છે. ઠગ લોકોના બેંક ડીટેલ્સ, OTP અને અન્ય માહિતીની ચોરી કરી પૈસા પડાવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો