Bharuch : ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા ભયજનક સપાટીથી 7 ફુટ નીચે વહી રહી છે, તંત્ર એલર્ટ

|

Aug 16, 2022 | 7:49 AM

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું.

ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા ડેમ(Narmada Dam)માંથી સદા ત્રણ લાખ ક્યુસેક પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં પાણી નર્મદા નદીમાં છોડવાના કારણે નર્મદા , વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાના 40 ગામ સાથે ભરૂચ – અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી  નજર રાખી રહ્યું છે. આ વચ્ચે વહેલી સવારે રાહતના સમાચાર એ સામે આવ્યા કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી હજુ 7 ફુટ નીચે વહેતી નજરે પડી હતી.

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું. આ જોતા નદી ખતરાના નિશાનથી હજુ ઘણી નીચે વહી રહી છે. સાવચેતીના ભાગરૂપે ભરૂચના વહીવટીતંત્રએ ભરૂચ જિલ્લાના ઝગડીયા, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 40 ગામોને એલર્ટ કર્યા છે. ભરૂચના ગોલ્ડનબ્રીજ નીચે આવેલી ઝુપડપટ્ટીમાં 40 મકાનમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા.

ભરૂચ નગરપાલિકા સાથે ભરૂચ પોલીસની ટીમ નર્મદા નદીના જળસ્તર ઉપર નજર રાખી રહી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ મોડી રાતે ગોલ્ડન બ્રિજ પહોંચ્યા હતા જેમણે  તંત્રની કામગીરી અને નર્મદાના જળસ્તરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વહીવટીતંત્ર દ્વારા જરૂર પડે અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં સ્થળાંતર કરવાની તૈયારી રાખવામાં આવી છે.

Published On - 7:49 am, Tue, 16 August 22

Next Video