‘ભણશે ગુજરાત’ નુ રિયાલિટી ચેક: ધોરાજીની સરકારી શાળામાં ગણિત વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના જ શિક્ષકો નથી- Video
ગુજરાત સરકારનો નારો છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત પરંતુ અહીં તો દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે. ધોરાજી ઉપલેટાની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં મુખ્ય વિષયો ગણિત અને વિજ્ઞાનના જ શિક્ષકો નથી. શાળામાં કોમ્પ્યુટર તો છે પરંતુ શીખવનાર ટેકનિકલ શિક્ષક જ છે.
એક તરફ હાલ રાજ્યભરમાં શાળા પ્રવેશોત્વની મૌસમ ચાલી રહી છે. નવુ સત્ર ખૂલ્યા બાદ એક તરફ રાજ્યભરમાં પાઠ્યપુસ્તકોની ઘટ તો સામે આવી જ છે પરંતુ ધોરાજી ઉપલેટાની સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય વિષયો ભણાવનાર શિક્ષકો જ નથી. શાળામાં ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જ નથી. રાજકોટ જિલ્લાના ઉપલેટાના નાગવદર ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અને કોમ્પ્યુટરની આધુનિક સુવિધાઓ તો છે પરંતુ વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન આપનારા ટેકનિકલ શિક્ષકો જ નથી.
એક તરફ ડિજિટલ ઈન્ડિયા બનાવવાના દાવા કરાઈ રહ્યા છે અને શાળામાં કોમ્પ્યુટર શીખવનાર શિક્ષકોની જ કમી છે. ન માત્ર કોમ્પ્યુટર પરંતુ મુખ્ય વિષયો જેવા ગણિત- વિજ્ઞાનના શિક્ષકો પણ નથી. જેના કારણે શાળાના આચાર્ય વહીવટી કામો છોડીને બાળકોને હાલ ભણાવી રહ્યા છે. ત્યારે શાળામાં વહેલીતકે આ મુખ્ય વિષયોના શિક્ષકો મુકવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
વાલીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે સરકાર દ્વારા શિક્ષણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, પરંતુ જો શાળામાં મુખ્ય વિષયોના શિક્ષકો જ નહીં હોય તો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? ત્યારે હાલ તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરી છે.