વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની કોર કમિટીમાં મોટો ફેરફાર, વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સિનિયર નેતાઓનો સમાવેશ
Election News: વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી દ્વારા એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગત રોજ મુખ્યમંત્રીની કેબિનેટમાં બે મોટા મંત્રીઓના ખાતા પરત લીધા બાદ હવે ભાજપની કોર કમિટીમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ (Assembly Election) નજીક છે ત્યારે સત્તાધારી ભાજપ (BJP) એક્શન મોડમાં આવી ગઈ છે.ગતરોજ બે મોટા મંત્રીઓના ખાતા પરત લેવાના મોટા નિર્ણય બાદ વધુ એક મોટો નિર્ણય કરાયો છે. ચૂંટણી પહેલા ભાજપની કોર કમિટી (BJP Core Committee) માં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભાજપની નવી કોર કમિટીમાં પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ Dy.CM નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોઘરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ આર.સી. ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ કરાયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા જેમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો સમાવેશ થયો હતો.
ભાજપની કોર કમિટીમાં 6 નવા ચહેરાઓનો સમાવેશ
ભાજપમાં પહેલા 12 સભ્યોની કોર કમિટી હતી હવે આ કોર કમિટીમાં 6 સભ્યો વધારવામાં આવ્યા છે. જે પ્રકારે હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેને લઈને મોટા ફેરબદલ સામે આવી રહ્યા છે. જેમા બે મોટા મંત્રીઓના પોર્ટફોલિયો પણ પરત લેવામાં આવ્યા છે. હવે સંગઠનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પ્રથમવાર એવુ બન્યુ છે કે કોર કમિટીનું સ્વરૂપ વધારવામાં આવ્યુ છે. 12 સભ્યોની જગ્યાએ 18 સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે. આ 18 સભ્યોની કોર કમિટીની પ્રથમ બેઠક સીએમના નિવાસસ્થાને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ, સંતોષની હાજરીમાં મળશે.
કોર કમિટીમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વને વધુ મજબુત કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીની કોર કમિટીમાં પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, શંકર ચૌધરી ગણપત વસાવા, રંજનબેન ભટ્ટ, અને પાંચ મહામંત્રીઓ હતા. તેમા હવે પાંચ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ ચૂંટણીને જોતા જ આ કોર કમિટીનું કદ વિસ્તારવામાં આવ્યુ છે, જેમા જાતિગત સમીકરણો અને સિનિયોરિટીને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. અને 5 નવા ચહેરાઓનો ડિસિઝન મેકિંગ ઓથોરિટીમાં સમાવેશ કરાયો છે. આ 18 સભ્યોની કોર કમિટી ચૂંટણી સુધી કાર્યરત રહેશે.
ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર
