Banaskatha: ડીસામાં કરોડોના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજની નીચેના રોડમાં પડ્યા મસમોટા ખાડા, વાહનચાલકોને પારાવાર હાલાકી
Banaskatha: ડીસામાં કરોડોના ખર્ચે એલિવેટેડ બ્રિજ તો બનાવી દેવાયો પરંતુ બ્રિજ બન્યા બાદ નીચેના રોડ પર પડેલા ખાડાઓનુ જે રિસર્ફેસિંગ થવુ જોઈએ તે કોન્ટ્રાક્ટરે ન કરાવતા વાહનચાલોકને પારાવાર હાલાકી સહન કરવી પડી છે.
બનાસકાંઠાના ડીસામાં કરોડોના ખર્ચે બનાવાયેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજની નીચેનો રોડ ખસ્તાહાલ બન્યો છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે. ડીસામાં 225 કરોડના ખર્ચે બનેલો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ એ બ્રિજની નીચેથી તમે પસાર થશો તો તમને એવું લાગશે કે જાણે કે ગામડાના કોઇ બિસ્માર રોડ પર આવી ગયા હોવ.
બ્રિજ બન્યા બાદ કોન્ટ્રાક્ટરે નીચેના રોડનું સમારકામ ન કરતા રોડ પર મસમોટા ખાડા
ડીસામાં આ બ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા તો ઘણે અંશે હલ થઇ ગઇ છે. પરંતુ બ્રિજ નીચેથી પસાર થતા હજારો વાહનચાલકોની મુશ્કેલી જરૂર વધી ગઇ છે. કેમકે બ્રિજની કામગીરી દરમ્યાન તેની નીચે આવેલા રોડ પર મસમોટા ખાડા પડ્યા છે. જેના કારણે અકસ્માતની પણ ભીતિ વધી છે. કોન્ટ્રાક્ટરે બ્રિજની નીચે પડેલા આ ખાડાઓ પૂરી તેના પર રીસરફેસિંગ કરવાનું હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટરે ફક્ત નાના-મોટા થીગડાં મારી યોગ્ય સરફેસિંગ ન કરતા બ્રિજ નીચેથી પસાર થતાં રોજના 30 હજારથી વધુ વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નેશનલ હાઈવે ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરને ચાર વખત નોટિસ ફટકારી
નેશનલ હાઈવે ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરને ચાર વખત નોટિસ ફટકારી છે છતાં કોન્ટ્રાક્ટરે હજુ સુધી રોડનું સમારકામ નથી કર્યું. જો કે ડીસાના ધારાસભ્યએ ટૂંક સમયમાં જ બ્રિજ નીચેના બિસ્માર રોડને રિસરફેસ કરાવવાની સાથે સાથે સુશોભિત કરવાની પણ બાહેંધરી આપી છે. ડીસામાં બ્રિજ બન્યાને લગભગ બે વર્ષ જેવો સમય થયો છે. પરંતુ તેનો લાભ ફક્ત બ્રિજ પરથી પસાર થતાં લોકોને જ મળી રહ્યો છે. બ્રિજ નીચેથી પસાર થતાં લોકો ઘણા લાંબા સમયથી આ રોડ પરથી પસાર થવામાં પરેશાની વેઠી રહ્યા છે.