Banaskantha: સાટાપ્રથાએ બગાડયું દાંપત્યજીવન, યુવતીએ તેના જ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો, જુઓ Video

|

Jun 03, 2023 | 10:55 PM

માતા-પિતા આજીજી કરતાં રહ્યા અને દીકરીએ મોં ફેરવી લીધું. લાગણીઓને તાર તાર કરવાની ઘટના બનાસકાંઠાના દિયોદરથી સામે આવી છે. કુરિવાજોની આડે બનેલી ઘટનામાં રૈયા ગામે એક યુવતીએ તેના જ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો.

Banaskantha: કુરિવાજોને કેમ તિલાંજલિ આપવી જોઈએ, તેનો એક દાખલો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે. પહેલી નજરે એવું લાગે કે એક દીકરી પ્રેમમાં અંધ બનીને માતા-પિતાનો પ્રેમ જ ભૂલી ગઈ. પરંતુ જ્યારે ઝીણવટથી જોઈએ તો ખબર પડે કે, આ મુસીબત સમાજના ખોટા રિવાજોને કારણે ઉભી થઈ છે. આ ઘટનામાં માતા-પિતા આજીજી કરતાં રહ્યા અને દીકરીએ મોં ફેરવી લીધું. લાગણીઓને તાર તાર તેવી સ્થિતિ બનાસકાંઠાના દિયોદરથી સામે આવી છે. જ્યાં રૈયા ગામે એક યુવતીએ તેના જ માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો.

દીકરીએ પોતાની પસંદના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધી. પિતાએ પોલીસમાં અરજી કરી હતી અને બંને પોલીસ સમક્ષ હાજર થયા. 21 વર્ષની વનિતા બારોટ પોતાના પ્રેમલગ્નના નિર્ણય પર અડગ રહી અને તેણે માવતરને ઓળખવાનો ઈનકાર કરી દીધો. માતા રડતી રહી તો પિતાએ તો રીતસર દીકરીના પગ પણ પકડી લીધા પણ દીકરી ટસની મસ ન થઈ.

દરેક સિક્કાની બે બાજુ હોય છે અને તેવી જ રીતે આ ઘટનાની પણ બીજી બાજુ છે. આ બીજી બાજુનું નામ છે સાટા પ્રથા. 21 વર્ષની આ દીકરી વનિતાના લગ્ન તેના જ નાનાભાઈના સાળા સાથે નક્કી થયા હતા. વનિતાને આ સંબંધ પસંદ ન હતો. તેણે જેની સાથે પ્રેમલગ્ન કર્યા છે, તે તેના મોટાભાઈનો સાળો છે.

સાટાપ્રથાથી જ્યારે વનિતાના લગ્ન નક્કી થયા હતા, ત્યારે વનિતાના ભાઈની પત્ની પણ રિસાઈને ચાલી ગઈ છે. કારણ કે, તેના ભાઈ સાથે વનિતાએ લગ્ન કર્યા નથી. ચોંકાવનારી બાબત એ પણ છે કે, વનિતાની આ સગાઈ તે માત્ર 7 વર્ષની ઉંમરની હતી ત્યારથી કરી દેવાઈ હતી. માતા-પિતા તેના દીકરાના પરિવારને બચાવવા પણ હવાતિયા મારી રહ્યા છે.

આ પણ વાંચો : ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો, જુઓ Video

આ કિસ્સો એ તમામ સમાજ માટે લાલબત્તી સમાન છે, જેઓ સાટાપ્રથા આજે પણ કરે છે. આ યુવતીના પ્રેમલગ્ન પણ પરિવારની રાજીખુશીથી થયા હોત. તેના ભાઈના લગ્નજીવનને પણ વાંધો ન પડ્યો હોત. સામાજિક બંધનોમાં આવા રિવાજો એવી અડચણો ઉભી કરે છે, જે સ્વીકાર્ય નથી. સમાજોએ પણ હવે સ્વીકારવું રહ્યું કે, યુવક-યુવતીના લગ્નની ઉંમર જે સરકારે નક્કી કરી છે, તે જ પ્રમાણે તેમની સંમતિથી લગ્ન કરવા. નહીં કે, ખોટા રિવાજો પાછળ હજુ પણ જૂના માનસિકતાને પકડી રાખવી.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video