બનાસકાંઠા: થરાદમાં રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ, આખલાની અડફેટે વાહનચાલકનું મોત- વીડિયો
બનાસકાંઠા: થરાદમાં સાંચોર હાઈવે પર આખલાની અડફેટે આવતા એક વાહનચાલકનું મોત થયુ છે. એક્ટિવા ચાલકને આખલાએ ટક્કર મારતા નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતુ ટ્રેક્ટર વાહનચાલક પર ફરી વળ્યુ જેમા ઘટનાસ્થળે જ તેનુ મોત નિપજ્યુ હતુ.
બનાસકાંઠામાં ફરી રખડતી રંઝાડનો આતંક સામે આવ્યો છે. હાઈકોર્ટની રખડતા ઢોર મુદ્દે આટલી ફટકાર છતા પણ જિલ્લા તંત્ર દ્વારા આ અંગે ગંભીરતાથી કોઈ કામગીરી ન થતા નિર્દોષ નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. થરાદમાં વધુ એક નિર્દોષ નાગરિકનું આખલાની અડફેટે આવતા મોત થયુ છે. થરાદ સાંચોર હાઈવે પર એક્ટિવા ચાલક વ્યક્તિ આખલાની અડફેટે આવ્યા. આખલાએ વાહનચાલકને ટક્કર મારતા તે રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવતુ ટ્રેક્ટર તેમના પર ફરી વળ્યુ હતુ અને ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે.
ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક વાહનચાલકની રોહિત ઓઝા તરીકે ઓળખ થઈ છે. પોલીસે ટ્રેક્ટર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલે મોકલવાની તજવીજ હાથ ધરી છે.