નરાધમ પુત્રનુ કારસ્તાન, માતાએ 500 રૂપિયા આપવાની ના પાડતા સળગાવી દીધુ ઘર, માતાપિતાને પણ જીવતા સળગાવી દેવાની આપી ધમકી

|

May 20, 2024 | 5:16 PM

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કઠાડા ગામે એક પુત્રને તેની માતાએ 500 રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી. માતાપિતાને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.

સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કઠાંડા ગામમાં માતાએ પુત્રને 500 રૂપિયા આપવાની ના પાડતા પુત્રએ તમામ હદો વટાવી પોતાના જ ઘરને આગ લગાવી દીધી. માત્ર 500 રૂપિયા માટે પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી. જેના કારણે ઘરમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. આટલેથી ન અટક્તા પુત્રએ માતા-પિતાને પણ જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. હાલ પિતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પુત્રના ત્રાસથી અને વારંવારના ઝઘડાથી કંટાળી માતાપિતા તેમનુ પાક્કુ મકાન છોડી સીમ વિસ્તારમાં કાચા મકાનમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ પુત્રનો ત્રાસ તો પણ ઓછો ન થયો. પુત્રએ માતાપિતા પાસે આવી પૈસાની ઉઘરાણી કરી મકાનને આગ ચાંપી દીધી હતી. આટલુ જ નહીં માતાપિતાને પણ જીવતા ભૂંજી નાખવાની ધમકી આપી. મકાનને આગ ચાંપી દેતા ઘરમાં રહેલો ગેસનો સિલિન્ડર ફાટતા આગના ગોટેગોટા ફેલાયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવી ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ કર્યો હતો. જો કે ત્યાં સુધીમાં ઘરની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી.

આ ઘટના સમયે નરાધમ પુત્ર ત્યાં ઉભો ઉભો જ સળગતા ઘરને જોઈ રહ્યો હતો. આ સમયે માતાપિતાને તેમણે એવુ પણ કહ્યુ એતો સારુ થયુ કે તમે બંને ઘરની અંદર ન હતા. નહીંતર તમને બંનેને પણ જીવતા જ સળગાવી દેવાના હતા. આજ પછી મારી વાત નહીં માનો તો તમને પણ આમ જ જીવતા સળગાવી દઈશ, એવુ કહી પુત્ર ત્યાંથી નાસી છુટ્યો હતો. પિતાની ફરિયાદ બાદ પોલીસે પુત્રની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે જાહેર કર્યુ ગરમીનું રેડ એલર્ટ, શહેરીજનોને 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવા અપીલ- Video

Next Video