કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી, કેરીના પાકને નુકસાનની ભીતિ

|

Apr 12, 2024 | 6:58 PM

રાજ્યમાં ભરઉનાળે ગરમીના કેર વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. વરસાદી વાતાવરણને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થતા ગરમીથી થોડી રાહત મળશે. જો કે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે. આ તરફ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. આવતીકાલે વલસાડ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે. વરસાદી અસરને પગલે આગામી બે દિવસમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે.

આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર્માં ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે જેને જોતા કેરીના પાકને નુકસાન થઈ શકે છે. વિષમ વાતાવરણ અને વરસાદને કારણે કેરીમાં સડો પેસી જાય છે. જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે.

જમાદાર કેરીનો ફાલ ઘટ્યો

ભાવનગરના મહુવાના ખેડૂતોને પણ જાણે માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. મહુવાની જમાદાર કેરી ઘણી વખણાય છે. જમાદાર કેરીને કેરીઓની રાણી ગણવામાં આવે છે. આ વખતે કમોસમી વરસાદને પગલે આંબા પરથી મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ ખરી પડ્યુ હોવાથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 20 ટકા જ ફાલ તૈયાર થયો છે.

આ પણ વાંચો: રાજ્ય પર ફરી ઘેરાયુ માવઠાનું સંકટ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી, આ દિવસોમાં ગાજવીજ થશે વરસાદ- Video

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:56 pm, Fri, 12 April 24

Next Video