ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા બજાવી રહેલા આનંદી બહેન પટેલના પુસ્તક ‘ચુનોતિયા મુઝે પસંદ હૈ’ નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેશના ગૃહમંત્રી અમિત શાહ, ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સહિતના અનેક અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં અમિત શાહે આનંદીબહેન પટેલ સાથેના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા. અમિત શાહે કહ્યું કે આનંદીબહેન પટેલને સંગઠનની જવાબદારી મળી ત્યારે મને ચોપડા ચેક કરવાની કામગીરી અપાઈ હતી. તેમણે કહ્યું કે આનંદીબહેન ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ થયું.
આ તરફ આનંદીબહેન પટેલે પણ પોતાના સંબોધનમાં અમિત શાહને રાજનીતિના ચાણક્ય ગણાવ્યા હતા.તેમણે કહ્યું કે..અમિતભાઈને આપણે ચાણક્ય કહીએ છીએ અને એ ખરા અર્થમાં ચાણક્ય છે..કોને ક્યારે ઉપર લઈ જવા અને કોને…. આટલુ બોલતા જ હોલમાં હાસ્યનું મોજુ રેલાયુ હતુ. વધુમાં તેમણે કહ્યુ કે અમિત શાહ ઉત્તમ રણકાર છે. અમે તો સાથે કેબિનેટમાં બેસતા હતા એટલે મને તો સારી રીતે ખબર છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે હું જ્યારે મુખ્યમંત્રી બની ત્યારે મે પહેલુ જ નરેન્દ્રભાઈને કહ્યુ કે ગૃહવિભાગ તો તેમને જ આપજો. બદલીઓ કરવાનું કામ બધુ એ જ કર્યા કરશે.મારી પાસે ફાઈલ ના મોકલતા.. જો કે આનંદીબેન જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે અમિત શાહ પહેલા જ કાર્યક્રમમાંથી રજા લઈ ચુક્યા હતા.
આ સાથે તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ ક્હ્યુ કે ગુજરાતમાં દારૂબંધીથ ન હટાવવાની સરકારને સલાહ આપી છે. મે ઉત્તરપ્રદેશમાં અનેક લોકોને દારુ છોડાવ્યો છે. અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધી પરત ખેંચવાનું વિચારી રહ્યા છીએ. મે સાંભળ્યુ તમે ગુજરાતમાં દારૂબંધી હટાવવાનુ વિચારી રહ્યા છે. પરંતુ રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી છે. આપણે ત્યાં દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે તેનુ કારણ દારૂબંધી પણ છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 9:02 pm, Sun, 7 December 25