કડીમાં 18 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, વાતો કરતા કરતા જ મિત્રના ખભે માથુ મુકી ઢળી પડ્યો
યુવાનોને હાર્ટએટેક ભરખી રહ્યો હોવાના સમાચાર એક બાદ એક સામે આવતા ચિંતાઓ વધી રહી છે. મહેસાણાના કડીમાં પણ એક 18 વર્ષનો યુવક હાર્ટ એટેકને લઈ મોતને ભેટ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામના ચણોઠીયા વાળા વિસ્તારના અશોક મિસ્ત્રીના પરિવાર પર આભ ફાટવા જેવી ઘટના બની છે.
યુવાન વયે જ હાર્ટએટેકના બનતા બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ રીતે વધુ યુવાનો માત્ર 18 વર્ષની વયે જીવ ગુમાવ્યા છે. સમાચાર કડીથી સામે આવ્યા છે. જ્યાં નગર પાલિકા વિસ્તારમાં આવેલ જય રણછોડ સોસાયટીમાં રહેતા યુવકને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
પરિવારમાં લગ્ન પ્રસંગ હોઈ અશોક મિસ્ત્રી અમદાવાદ ગયા હતા. જ્યારે તેમનો 18 વર્ષનો પુત્ર સંકેત મિસ્ત્રી ઘરે રોકાયેલો હતો. તેને પરીક્ષા હોઈ તે એન્જિનિયરિંગના અભ્યાસને લઈ પેપર આપીને સાંજે ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં બાંકડે મિત્રો સાથે બેઠો હતો અને એકાએક જ હાર્ટએટેકના હુમલાથી ઢળી પડ્યો હતો. મિત્રના ખભા પર જ તેનું માથું વાત કરતા કરતા જ ઢલી પડ્યુ હતુ. જેને લઈ બેહોશ જોઈને મિત્રએ બુમા બુમ કરી હતી. બેહોશ હાલતમાં સંકેતને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતુ.
