રાજકોટમાં આંતરીક જૂથવાદ વચ્ચે અમિત શાહે લીધા છે નેતાઓના ક્લાસ. સર્કિટ હાઉસમાં અમિત શાહે સ્થાનિક હોદ્દેદારો, ધારાસભ્યો અને સાંસદ સાથે મહત્વની બેઠક યોજી. પક્ષમાં આંતરીક જૂથવાદ અને વધી રહેલા વિવાદો વચ્ચે યોજાયેલી આ બેઠક સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહે બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યાની વિગતો સામે આવી છે અને એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો છે.
અમિત શાહે GST ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા નેતાઓને સૂચના આપી અને GST ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવાનો પણ આદેશ આપ્યો છે. સાથે જ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા અમિત શાહે સૂચન કર્યું છે. જે અંગે ઘરે ઘરે જઇને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના આપી છે..
મહત્વનું છે કે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકપક્ષના નેતા લીલુબેન જાદવની નારાજગી સામે આવી હતી. લીલુબેન જાદવે કાવતરાપૂર્વક તેમની છબીને ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યાનો આરોપ કર્યો હતો અને ભાવૂક થઈને રજૂઆત કરી હતી અને ભવિષ્યમાં વધુ ફોડ પાડવાની વાત કરી હતી.