અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી, જાણો કઇ છે આ શાળાઓ અને શા માટે કરાઇ આ કાર્યવાહી

| Edited By: | Updated on: Dec 19, 2025 | 10:32 AM

અમદાવાદમાં BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે.

અમદાવાદમાં BU (બિલ્ડિંગ યુઝ) પરમિશન ન હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને સીલ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં હલચલ મચી ગઈ છે. AMC દ્વારા સ્કૂલ સંચાલકોને તાકીદે BU પરમિશન મેળવી લેવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

નિર્ધારિત સમયમર્યાદામાં BU પરમિશન લેવી ફરજીયાત

સ્કૂલો સીલ કરાતા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે સંચાલકો દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. જોકે, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં BU પરમિશન લેવામાં નહીં આવે તો સંબંધિત શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ શાળાઓને કરવામાં આવી સીલ

AMCની કાર્યવાહી હેઠળ જે સ્કૂલોને સીલ કરવામાં આવી છે તેમાં સરખેજ અને જુહાપુરા વિસ્તારની અનેક શાળાઓનો સમાવેશ થાય છે. સીલ કરાયેલી સ્કૂલોમાં બ્રાઈટન પબ્લિક સ્કૂલ (સરખેજ), ફારૂકે આઝમ પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), ધ ન્યૂ એજ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), કુવૈસ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ક્લાસિક પ્રાયમરી સ્કૂલ (જુહાપુરા), નેશનલ પ્રાયમરી સ્કૂલ (સરખેજ), ગુલશન એ મહેર સ્કૂલ (સરખેજ) તેમજ ફોર્ચ્યુન સ્કૂલ (મકરબા)નો સમાવેશ થાય છે.

AMCના અધિકારીઓનું કહેવું છે કે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને BU પરમિશન વિના ચાલતી કોઈપણ શાળાને મંજૂરી આપવામાં આવશે નહીં. આ કાર્યવાહી બાદ અન્ય શાળા સંચાલકોમાં પણ ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને અનેક શાળાઓ BU પરમિશન માટે દસ્તાવેજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો