ગુજરાતમાં વધુ એક વાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.આજે અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો કરી રહ્યાં છે. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. બપોરે 12:30 પેપરનો સમય હતો. પરંતુ 1.15 કલાક સુધી પેપર શરુ ના થતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર અન્ય કોઈ સેન્ટર પર વિવાદ સામે આવ્યા નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને કોર્પોરેશને તપાસ હાથ ધરી છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં 720 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ છે. ત્યારે અમદાવાદ સિવાય અન્ય મહાનગરો અને જિલ્લામાંથી પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા. રાજ્યભરમાંથી 1.10 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાનું ફોર્મ ભર્યા હતા. ત્યારે આ વખતે પેપર લીકના નવા કાયદાનું અમલ કર્યું હોવા છતા પેપર ફુટ્યાના આક્ષેપ કરવામાં આવતા જ ઉમેદવારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે.
Published On - 2:51 pm, Sun, 24 November 24