ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજી મંદિર ટ્રસ્ટનો ‘મોટો નિર્ણય’, શિખર પર હવે માત્ર 5 મીટરની જ ધજા ચઢાવી શકાશે – જુઓ Video
અંબાજી ભાદરવી પૂનમ મેળા પૂર્વે મંદિર ટ્રસ્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શિખર પર માત્ર 5 મીટરની જ ધજા ચઢાવી શકાશે. શ્રદ્ધાળુઓ અને પદયાત્રી સંઘોને 5 મીટરની ધજા લાવવા અપીલ કરાઈ છે. જણાવી દઈએ કે, આ નિર્ણય ભીડ વ્યવસ્થાપન માટે લેવાયો છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અંબાજી માતાના દર્શન માટે 1600 થી વધુ નોંધાયેલા પદયાત્રા સંઘો ધજા સાથે અંબાજી પહોંચવાની તૈયારીમાં છે. આ ભવ્ય મેળા પહેલા, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે.
મંદિરના શિખર પર હવે માત્ર 5 મીટર (લગભગ 16.4 ફૂટ) ની ધજા જ ચઢાવવામાં આવશે. એવામાં તમામ પદયાત્રીઓ અને સંઘોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, તેઓ માત્ર 5 મીટરની ધજા લઈને જ અંબાજી આવે.
જો કોઈ શ્રદ્ધાળુ 5 મીટરથી લાંબી ધજા લઈને આવશે, તો તે ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં નહીં આવે. આવી ધજાને માતાજીના ચરણોમાં અર્પણ કરીને મંદિરમાં રાખવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં, મંદિર ટ્રસ્ટ દ્વારા 5 મીટરની ધજા પૂરી પાડીને તેને ચઢાવવાની વ્યવસ્થા પણ કરાશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય મેળા દરમિયાન થનારી ભારે ભીડ અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભાદરવી પૂનમ મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતા હોવાથી, સુચારુ દર્શન વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટે આ નિયમ અત્યંત મહત્વનો છે. ભક્તોને આ નિયમનું પાલન કરવા વિનંતી કરાઈ છે.
