અમદાવાદના મૌલાનાનો મુસ્લિમોને પતંગ ન ચગાવવાની અપીલનો Video વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ, MLA ઇમરાન ખેડાવાલાએ કરી તપાસની માગ

| Edited By: | Updated on: Jan 17, 2026 | 8:33 PM

અમદાવાદના બહેરામપુરામાં ઉત્તરાયણને લઈને મસ્જિદના લાઉડસ્પીકર પરથી કરાયેલી જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં મુસ્લિમોને પતંગ ન ઉડાડવા અને “આપણો તહેવાર નથી” એવું કહેવામાં આવતા વિવાદ ઊભો થયો છે. TV9ની તપાસમાં વીડિયો બહેરામપુરાના બેરલ માર્કેટ સ્થિત મસ્જિદનો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ઉત્તરાયણને લઈને એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને શહેરભરમાં ચર્ચા અને સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોમાં મુસ્લિમ સમુદાયને ઉત્તરાયણથી દૂર રહેવા અને પતંગ ન ઉડાડવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું સાંભળવામાં આવે છે. વીડિયોમાં લાઉડસ્પીકર પરથી એવું કહેવામાં આવ્યું કે “આપણો તહેવાર નથી”, જે શબ્દોએ વિવાદને વધુ વેગ આપ્યો છે.

વાયરલ વીડિયોને લઈને TV9 દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આ વીડિયો અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો છે. ખાસ કરીને બહેરામપુરાના બેરલ માર્કેટમાં આવેલી એક મસ્જિદના લાઉડસ્પીકર પરથી આ જાહેરાત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

TV9ની ટીમ એ સ્થળે પહોંચી હતી જ્યાંથી આ જાહેરાત કરવામાં આવી હતી. મસ્જિદ સંચાલકનો દાવો છે કે આ જાહેરાત કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક ભાવનાથી નહીં, પરંતુ માનવતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ, બાળકો કે અન્ય લોકોને ઇજા પહોંચે તેવી શક્યતા રહે છે. ઇસ્લામમાં કોઈને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિને હરામ માનવામાં આવે છે, તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને છત પરથી નીચે ઉતરવાની અપીલ કરવામાં આવી હતી.

સંચાલકનું કહેવું છે કે આ નિવેદનને હિન્દુ-મુસ્લિમ મુદ્દા તરીકે જોવું યોગ્ય નથી અને તેમાં કોઈ સાંપ્રદાયિક ભાવના નથી. જો કે, વાયરલ વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક શબ્દો અને “આપણો તહેવાર નથી” જેવા નિવેદનોએ અનેક સવાલો ઊભા કર્યા છે.

Input Credit: Narendra Rathore

અમેરિકા વેનેઝુએલામાંથી તેલ કાઢશે, ભારતને થઈ શકે છે આ 3 નુકસાન, વાંચવા માટે અહીં ક્લિક કરો