હોર્ડિંગ્સ બતાવવા મધરાતે મહાકાય વૃક્ષોનું કતલખાનું ! ખાડા નથી દેખાતા પણ નડતા વૃક્ષો દેખાયા ?

| Edited By: | Updated on: May 07, 2026 | 9:21 PM

સાયન્સ સિટી વિસ્તારમાં જાહેરાતની એજન્સીઓને ફાયદો કરાવવા AMCના ગાર્ડન વિભાગે રાત્રિના અંધકારમાં વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. સ્ટ્રીટ લાઈટના બહાને હેવી ટ્રીમિંગ કરતા કર્મચારીઓને TV9ની ટીમે રંગે હાથ ઝડપ્યા. ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રને રસ્તાના ખાડા કે ગટરની સમસ્યા કેમ નથી દેખાતી?

અમદાવાદ મહાનગરપાલિકા એકબાજુ ‘મિશન મિલિયન ટ્રી’ના નામે કરોડોનો ધુમાડો કરે છે, તો બીજીબાજુ તેના જ અધિકારીઓ ખાનગી એજન્સીઓના લાભાર્થે વર્ષો જૂના વૃક્ષો પર કુહાડો ચલાવી રહ્યા છે. સાયન્સ સિટી રોડ પર મોડી રાત્રે AMCના જ વાહનો લાવીને વિશાળ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરવામાં આવ્યું. TV9ના કેમેરામાં આ કાળું કરતૂત કેદ થયું છે, જેમાં કર્મચારીઓએ લૂલો બચાવ કર્યો કે સ્ટ્રીટ લાઈટનું અજવાળું ઓછું આવતું હોવાથી આ કામગીરી કરાઈ રહી છે.

તંત્રને આકરા સવાલો: ખાડા કેમ નથી દેખાતા?

AMCના આ બહાના સામે જનતામાં ભારે રોષ છે. સવાલ એ છે કે જો સ્ટ્રીટ લાઈટ માટે વૃક્ષો દેખાય છે, તો રસ્તા પર પડેલા જીવલેણ ભુવા અને ખાડા કેમ દેખાતા નથી? જ્યારે રસ્તા પર પાણી ભરાય છે અને ગટર ઉભરાય છે, ત્યારે આ ગાર્ડન વિભાગ કે એન્જિનિયરિંગ વિભાગ ક્યાં છુપાઈ જાય છે? શું જનતાના જીવ કરતા હોર્ડિંગ્સ એજન્સીઓની કમાણી વધુ મહત્વની છે?

એજન્સીઓ અને અધિકારીઓની જુગલબંધી

સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે થાંભલા પર લાગેલા હોર્ડિંગ્સ વાહનચાલકોને બરાબર દેખાય તે માટે આખાને આખા વૃક્ષોને સાફ કરી દેવામાં આવે છે. અગાઉ પણ આવા વીડિયો વાયરલ થયા હતા, છતાં ઉચ્ચ અધિકારીઓની મિલીભગતને કારણે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જ્યારે શહેરમાં હોર્ડિંગ્સ તૂટી પડે કે ભુવામાં માણસ પડે ત્યારે જવાબદારી કોની?

TV9ની ટીમે નૈતિક જવાબદારી સમજી આ કામગીરી અટકાવી હતી અને નગરજનોને અપીલ કરી છે કે જ્યાં પણ પરવાનગી વિના વૃક્ષો કપાતા દેખાય, ત્યાં તાત્કાલિક પોલીસ કે કોર્પોરેશનમાં ફરિયાદ કરો.

(ઈનપુટ ક્રેડિટ: જીગ્નેશ પટેલ)

અમદાવાદમાં બેઠા- બેઠા અમેરિકન નાગરિકોને છેતરતા પાંચ શખ્સો ઝડપાયા

Published on: May 07, 2026 09:13 PM
Follow Us