Breaking News: ઢોંસા ખાધા અને બે માસૂમોના મોત થયા ! ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો પરિવારે લગાવ્યો ગંભીર આરોપ

| Updated on: Apr 06, 2026 | 4:43 PM

ચાંદખેડામાં ડેરીના ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ એક જ પરિવારની બે બાળકીઓએ જીવ ગુમાવ્યો. શું ખીરામાં ઝેર હતું કે અન્ય કોઈ કારણ? FSLની તપાસમાં ખુલશે રહસ્ય.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને કોઈપણ માતા-પિતા ધ્રુજી ઉઠશે. બજારમાંથી લાવેલા ઢોંસાના ખીરાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. સાડા ત્રણ વર્ષની અને માત્ર ત્રણ મહિનાની બે સગી બહેનોના શંકાસ્પદ મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

એક ભૂલ અને આખો પરિવાર હોસ્પિટલમાં

ઘટનાની વિગતો મુજબ, ગત ૧લી એપ્રિલના રોજ ચાંદખેડાની જાણીતી ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોંસાનું ખીરું ખરીદવામાં આવ્યું હતું. પરિવારનો આરોપ છે કે આ ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ જ આફત આવી હતી…

ખીરું લાવ્યા તે દિવસે પિતાએ ઢોંસા ખાધા અને તેમની તબિયત લથડતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા. પરિવારને ખ્યાલ નહોતો કે બીમારીનું કારણ ઢોંસા છે. બીજા દિવસે માતા અને સાડા ત્રણ વર્ષની પુત્રીએ પણ તે જ ખીરાના ઢોંસા ખાધા.

માતાનું ધાવણ લેતી 3 મહિનાની બાળકી અને સાડા ત્રણ વર્ષની બાળકીની તબિયત અચાનક બગડી. સારવાર દરમિયાન નાની બાળકીએ દમ તોડ્યો અને તેના બીજા જ દિવસે મોટી બહેનનું પણ મોત નીપજ્યું.

FSLની તપાસ અને ડેરી માલિકનો બચાવ

આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. FSL (Forensic Science Laboratory) ની ટીમે ઘનશ્યામ ડેરી પર દરોડા પાડીને ખીરાના નમૂના લીધા છે.

ડેરી સંચાલકનો દાવો: “અમે રોજના 100 કિલો ખીરાનું વેચાણ કરીએ છીએ, પરંતુ માત્ર એક જ ગ્રાહકને તકલીફ પડી છે. અમે પોલીસ અને AMC ને પૂરો સહયોગ આપી રહ્યા છીએ.”

સીસીટીવી ફૂટેજ: ડેરી માલિકે જણાવ્યું કે તેમની પાસે વોઈસ રેકોર્ડિંગ સાથેના CCTV છે અને તેમણે અન્ય ગ્રાહકોનો પણ સંપર્ક કર્યો હતો, પણ કોઈને તકલીફ થઈ નથી.

મોતનું અસલી કારણ શું?

શું ખરેખર ખીરું ઝેરી હતું? કે પછી ખીરું સાચવવામાં કોઈ ભૂલ થઈ હતી? પરિવારના સભ્યો હાલ શોકમાં ગરકાવ છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. FSLના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ મરણતોલ ફૂડ પોઈઝનિંગ પાછળ જવાબદાર કોણ છે. બજારમાંથી લાવવામાં આવતી ખાણી-પીણીની વસ્તુઓ બાબતે આ કિસ્સો દરેક નાગરિક માટે લાલબત્તી સમાન છે.

(ઈનપુટ ક્રેડિટ: હરીન માત્રાવાડીયા)

હવે સીમા પર સાપ અને મગર રાખશે નજર! બાંગ્લાદેશ બોર્ડર પર ઘૂસણખોરોનો કાળ બનશે BSFનો આ ‘ખતરનાક’ પ્લાન

Published on: Apr 06, 2026 04:10 PM
Follow Us