અમદાવાદની કેટલીક ખાનગી શાળાઓ સ્વેટર ખરીદી મુદ્દે વાલીઓને દબાણ કરતી હોવાના આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે. કડકડતી ઠંડીમા વિદ્યાર્થીઓ સ્વેટર પહેરી સવારે શાળાએ જાય છે ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીને કેટલીક ચોક્કસ બ્રાન્ડના તેમજ ચોક્કસ જગ્યાએથી જ ખરીદેલુ સ્વેટર પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ અગાઉ જ નોટિસ ફટકારી સ્વેટરને લગતુ વાલીઓ કે વિદ્યાર્થીઓને કોઈ જ દબાણ ન કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. છતા અમદાવાદ શહેરની કેટલીક ખાનગી શાળાઓ સ્વેટર ખરીદીને લઈને દબાણ કરી રહી છે.
વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના અને નક્કી કરેલા વેન્ડર પાસેથી જ સ્વેટર ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ જ મુદ્દે આજે NSUI એ આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જઈ હલ્લાબોલ કર્યો હતો. કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શાળાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી અને ખાનગી શાળાઓની દાદાગીરી બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. NSUI ના વિરોધ પ્રદર્શન મુદ્દે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નિયમ ભંગ કરનારી શાળાઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.
શહેરની કેટલીક સ્કૂલ દ્વારા અગાઉ પણ નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. જે મામલે DEO એ નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો. RTE એક્ટ 2009ની કલમ 17 અને 19 મુજબ નિયમભંગના બદલ વિદ્યાર્થી દીઠ રૂ. 10,000નો દંડ કેમ ન કરવો? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો હતો.