અમદાવાદના આંગણે અનેરો ઉત્સવ, કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા તા. 13 એપ્રિલ 2026 ના રોજ શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્યોત્સવ ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવાયો.
કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા તા. 13 એપ્રિલ 2026, સોમવાર (ચૈત્ર વદ એકાદશી) ના પાવન દિવસે સાંજે 5:00 કલાકે વસ્ત્રાપુર તળાવ પાસે થી મહાપ્રભુજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમ ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અને યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ શોભાયાત્રા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે યોજાઈ હતી. યાત્રા દરમિયાન ભાવભર્યા કીર્તન અને ભક્તિભાવે ભરેલા દ્રશ્યો સાથે વૈષ્ણવોએ વિશેષ આનંદનો અનુભવ કર્યો હતો.
આ અવસર પર શ્રી કલ્યાણરાયજી, શ્રી ગોવર્ધનધરન પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી તેમજ શ્રી મહાપ્રભુજીને વિવિધ ભાવસભર સેવાઓ અર્પણ કરવામાં આવી. ભક્તોએ પ્રભુને લાડ લડાવી તેમની કૃપા પ્રાપ્ત કરી અને ભક્તિભાવમાં લીન રહ્યા.
શોભાયાત્રા બાદ કનકાભિષેક અને નંદમહોત્સવના ઉત્સવો આનંદભેર ઉજવાયા. હવેલીમાં કીર્તનમય વાતાવરણ વચ્ચે વિશિષ્ટ રાજભોગ દર્શન અને શયન દર્શનની ઝાંખી યોજાઈ. ઉપરાંત પાળના, નંદમહોત્સવ અને કેસર સ્નાન જેવા પાવન ઉત્સવો દ્વારા વૈષ્ણવોને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ થયો.
આ મહોત્સવ અંતર્ગત તા. 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન “શ્રી વલ્લભઃ જયતિ મહોત્સવ” ઉજવાયો હતો, જેમાં યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયશ્રીએ “વલ્લભ તત્વ ચિંતન” વિષય પર વચનામૃત આપીને વૈષ્ણવોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.
Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા 2026 લાવશે ભાગ્યનો ટર્નિંગ પોઈન્ટ!