Ahmedabad: જશોદાનગરમાં ‘ખાડા’ તંત્ર સામે સ્થાનિકોનો રોષ, ધીમી ગતિએ ચાલતા કામથી લોકોને હાલાકી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ રાખ્યા બાદ હાલ કામને અટકાવી દેવામાં આવ્યું છે.
અમદાવાદ(Ahmedabad)ના જશોદાનગરના લોકો કોર્પોરેશન (Corporation)ની ધીમી ગતિને પગલે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર કોર્પોરેશન અને ખાનગી કંપની દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે, પરંતુ ગત બે મહિનાથી આ કામ પુરુ થયું નથી, તેમજ ખાડા ખોદાઈ જતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે તો વારંવાર ટ્રાફિક જામ (Traffic)ની સ્થિતિ પણ સર્જાય છે. ત્યારે લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. તેમજ વહેલા કામ પૂર્ણ કરવા અપીલ કરી છે.
અનેક વખત હાઈકોર્ટની ફટકાર લગાવ્યા બાદ પણ અમદાવાદનું તંત્ર જાણે કે નિદ્રાવસ્થામાં હોય તેવુ લાગી રહ્યુ છે. અમદાવાદમાં રોડ રસ્તા પર થયેલા દબાણ તથા ખાનગી કંપનીઓના અધૂરા ખોદકામને કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગરથી મણિનગર જવાના માર્ગ પર છેલ્લા બે મહિના જેટલા સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ રાખ્યા બાદ હાલ કામને અટકાવી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના લોકો અનેક સમસ્યાઓ ભોગવી રહ્યા છે.
જશોદાનગરથી મણિનગર જવાના આ માર્ગ આસપાસ અનેક સોસાયટી આવેલી છે. સાંકડા રોડના કારણે બાળકો પણ ખાડામાં પડી જવાનો ભય છે. આ ઉપરાંત અને કેટલાક વેપારીઓ પણ પરેશાન છે જેમાં તેમના દ્વારા મંગાવેલ માલસામાનનો ટ્રક અનેક વખત અહીંયા ફસાઈ જાય છે અને કલાકો સુધી તેમનો સમય વેડફાય છે. જેના પગલે અહીંના લોકો હેરાન થઈ રહ્યા છે અને તંત્ર દ્વારા વહેલી તકે કામ પુરુ કરવાની અપીલ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી
આ પણ વાંચો: Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા