Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ, સાણંદ-ધોળકા-બાવળામાં NDRFની ટીમો તૈનાત

| Updated on: Jul 31, 2026 | 5:17 PM

અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. NDRFની ટીમો તૈનાત કરાઈ છે અને લોકોને સાવચેત રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ અને વિવિધ વિભાગો દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વરસાદ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે તમામ વિભાગોને સજ્જ રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમોને સાણંદ, ધોળકા અને બાવળા ખાતે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના તમામ સરકારી વિભાગો તેમજ પોલીસ વિભાગ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ટ્રાફિક વ્યવસ્થાપન, રાહત અને બચાવ કામગીરી તેમજ સંકલન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળશે.

તંત્ર દ્વારા ખાસ કરીને મુખ્ય હાઈવે અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવશે. અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે હાઈવે પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે જરૂરી તમામ તકેદારી રાખવામાં આવે. અગાઉ અમદાવાદ-રાજકોટ હાઈવે પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાતા વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો હતો, તેથી આ વખતે આવી સ્થિતિ ન સર્જાય તે માટે આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

બાવળા સહિતના ઔદ્યોગિક વિસ્તારો માટે પણ પોલીસ દ્વારા વિશેષ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. બાવળા વિસ્તાર નીચાણવાળો હોવાથી અહીં આવેલી ઔદ્યોગિક એકમોને સાવચેતી રાખવા અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ સ્થાનિક લોકોને ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા અને જરૂરી હોય તો સુરક્ષિત તથા ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટીતંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ રાહત તથા બચાવ ટીમોને પણ તાત્કાલિક તૈનાત કરવામાં આવશે.

Mars Transit 2026: 2 ઓગસ્ટે મિથુનમાં પ્રવેશ કરશે મંગળ, આ 4 રાશિના જાતકોને મળી શકે છે ધન, સફળતા અને શુભ ફળ

Follow Us
Loading...
Unable to load recommendations.