અમદાવાદમાં ભાડજ સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. જો કે, ડ્યુટી પર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નંબર પ્લેટ વગરની ક્રેટા કારને રોકતા જ કાર ચાલકે પૂરઝડપે કાર હંકાવી હતી.
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ! અજાણ્યા કારચાલકે કોન્સ્ટેબલને બોનેટ પર લટકાવી દોઢ કિમી દોડાવી ગાડી – જુઓ Video
અમદાવાદમાં ભાડજ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવવાના બનાવમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપી ફરાર થયા છે.
એવામાં જ્યારે કોન્સ્ટેબલે કારનું બોનેટ પકડી લીધું, ત્યારે આરોપીઓએ પોલીસકર્મીને બોનેટ પર લટકાવેલી સ્થિતિમાં જ દોઢ કિમી સુધી કાર ચલાવી. હેબતપુર બ્રિજ પહેલા ટ્રાફિક જામ થતાં કાર ધીમી પડી હતી, જેથી પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નીચે પટકાયો હતો.
આમાં કોન્સ્ટેબલને ઇજા પહોંચી, જ્યારે કારની પાછળની સીટમાં બેસેલ ઇસમ કારમાંથી નીચે ઉતરીને ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો. સમગ્ર મામલે સોલા પોલીસે કાર ચાલક સહિત 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
પોલીસ તપાસમાં આરોપી પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલો, જેની પૂછપરછ કરતાં પોતે મૂળ થરાદ બનાસકાંઠાનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. બીજીબાજુ કાર ચાલક ઇન્દ્રેશ ખાન પઠાણ, જે પાટણ હારીજનો રહેવાસી છે. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
જણાવી દઈએ કે, મુખ્ય આરોપી ઇન્દ્રેશ ખાન પઠાણ કાર સીઝીંગનું કામ કરે છે, જેના પર ભૂતકાળમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે અને પ્રભુજી ઠાકોર ઉર્ફે ભોલાની સામે દારૂનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. હાલ તો બાકીના બે ફરાર આરોપીને શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.