કોંગ્રેસના હાઈવોલ્ટેજ ડ્રામાનો કરૂણ અંત, પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમ ટિકિટ કપાતા જ ભભૂકી ઉઠ્યા

| Edited By: | Updated on: Apr 11, 2026 | 6:48 PM

બહેરામપુરામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમે: પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા પહોંચેલા તસ્નીમ આલમનું પત્તું કપાયું. ધારાસભ્યના ષડયંત્રનો આક્ષેપ કરી વર્ષ 2027માં જોઈ લેવાની આપી ધમકી.

અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. ખેડાના બોગસ ખેડૂત કેસના આરોપી અને પૂર્વ કાઉન્સિલર તસ્નીમ આલમ તીર્મિઝી કોર્ટના આદેશ બાદ ખાસ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જોકે, છેલ્લી ઘડીએ કોંગ્રેસે તેમનું પત્તું કાપી નાખતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ટિકિટ ન મળતા રોષે ભરાયેલા તસ્નીમ આલમે ખુલ્લી ચેતવણી આપી છે કે, “જો અત્યારે ટિકિટ ના મળે તો કાંઈ નહીં, 2027માં હું મારી તાકાત બતાવી દઈશ.”

ધારાસભ્યનું પત્તું ચાલ્યું અને તસ્નીમ આલમ બાકાત!

તસ્નીમ આલમે ગંભીર આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક ધારાસભ્યના ઈશારે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, “હું ફોર્મ ના ભરી શકું તે માટે ધારાસભ્ય દ્વારા આ બધું પ્લાનિંગ કરાયું હતું.” આ અગાઉ તેમને પૂરો ભરોસો હતો કે 3 વાગ્યા પહેલા તેમને મેન્ડેટ મળી જશે, પરંતુ કોંગ્રેસે બહેરામપુરા વોર્ડ માટે કમરૂદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપી મેદાનમાં ઉતાર્યા છે.

પોલીસ જાપ્તા વચ્ચે ખાલી હાથે પરત ફર્યા

ખેડા જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે ખાસ ફોર્મ ભરવા આવેલા તસ્નીમ આલમ મેન્ડેટ ન મળતા ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા. કોંગ્રેસે તેમના સ્થાને કમરૂદ્દીન પઠાણ પર પસંદગી ઉતારી છે. તસ્નીમ આલમના સમર્થકોમાં આ નિર્ણયને લઈ ભારે આક્રોશ છે, જ્યારે તસ્નીમ આલમે અત્યારથી જ આગામી વિધાનસભા ચૂંટણી (2027) ને ટાર્ગેટ કરી પોતાની શક્તિ બતાવવાનો હુંકાર કર્યો છે.

બહેરામપુરાના ચારેય ઉમેદવારોએ કોંગ્રેસના સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી દીધી છે, જેનાથી હવે તસ્નીમ આલમ સત્તાવાર રીતે રેસમાંથી બહાર થઈ ગયા છે.

(ઈનપુટ ક્રેડિટ: સચિન પાટીલ)

ચૂંટણી છે કે જાન? પાટણમાં બળદગાડા પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવારો

Published on: Apr 11, 2026 06:36 PM
Follow Us