અમદાવાદ: બજારોમાં ઉત્તરાયણની ખરીદીનો જામ્યો માહોલ, પતંગ-દોરીના ભાવમાં 25 થી 30 ટકાનો ભાવ વધારો
Ahmedabad: બજારોમાં ઉતરાયણની ખરીદીનો માહોલ જામ્યો છે. જો કે આ વખતે લોકોને મોંઘવારી પણ નડી રહી છે. તમામ ચીજોના ભાવમાં 25થી30 ટકાનો ભાવવધારો થતા લોકોનો ખરીદીનો ઉત્સાહ ફિક્કો બન્યો છે
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પર્વ પહેલા પતંગ દોરીની ખરીદી માટે બજારમાં માહોલ જામ્યો છે. અમદાવાદના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, બાપુનગર કે અન્ય પતંગ બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે. જોકે આ વખતે ભાવ વધારાની સાથે અન્ય ચીજ વસ્તુઓમાં પણ ભાવવધારો નોંધાયો છે. જેથી લોકોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે..પતંગ દોરીની વાત હોય કે ઉત્તરાયણ પર્વ પર મળતી અન્ય મનોરંજનની વસ્તુઓ હોય. બજારમાં ભાવ વધારાની અસર સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે.
પતંગ દોરીમાં આ વર્ષે 25થી 30 ટકા ભાવ વધારો
પતંગ દોરીમાં આ વર્ષે 30 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. સાથે જ માસ્ક,ચશ્મા, ટોપી, હાથપટ્ટી, કે ધ્વનિવાદક વસ્તુઓમાં પણ ભાવવધારો થયો છે..આવી વસ્તુઓમાં આ વખતે 10 થી 20 ટકા જેટલો ભાવવધારો નોંધાયો છે. કાચા માલમાં ભાવવધારો થયો છે..સાથે જ પેટ્રોલ ડીઝલના વધુ ભાવ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ હોવાથી પણ ભાવવધારો નોંધાયો છે..તેમ વેપારીઓનું માનવુ છે. મોજશોખના 2 દિવસનો તહેવાર જાણે સજા બની ગયો હોય તેમ મોંઘવારી લોકોની કમર તોડી રહી છે.
ગોગલ્સ, ફેસ માસ્ક સહિતની ચીજોમાં ભાવ વધારો
પતંગ-ફિરકી, ટેપ, પિપુડા સહિતની ચીજોમાં ધરખમ ભાવ વધારો થતા તહેવારની મજા ફિક્કી બની ગઈ છે. છતા લોકો પોતાના અન્ય ખર્ચ પર કાપ મુકી તેમના બાળકોને ખુશ રાખવા માટે ખરીદી કરતા જોવા મળ્યા હતા. પરંતુ ભાવ સાંભવીને દરેકની ભ્રમરો જરૂર ખેંચાઈ જાય છે.