Ahmedabad: ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રીએ કર્યુ લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત
Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલમાં આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન CM એ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજે રૂપિયા 43 કરોડના ખર્ચે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ(Ahmedabad)ના વસ્ત્રાલ ખાતે આયોજિત ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજે રૂપિયા 43 કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડીટોરીયમનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદના થલતેજ વિસ્તારમાં અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે પી.પી.પી. ધોરણે નિર્માણ પામનાર કમ્યૂનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત અને ખોખરાની મેડિકલ કૉલેજનું ‘નરેન્દ્ર મોદી મેડિકલ કૉલેજ’ તરીકે મુખ્યમંત્રીના હસ્તે નામાભિધાન કરવામાં આવ્યું હતુ.
સ્વ-સહાય જૂથોને 300 કરોડ રૂપિયાના ચેક વિતરણ કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્ત્રાલ ખાતે આયોજિત વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોને ચેક વિતરણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવાનો અભિગમ અપનાવ્યો છે. જનતાએ મુકેલા વિશ્વાસનું વળતર તેમણે સર્વાંગી વિકાસ કરીને ચુકવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 22 હજાર ગ્રામીણ તેમજ શહેરી સ્વ સહાય જૂથોને 300 કરોડ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી. જેનાથી 2 લાખ 20 હજાર જેટલી મહિલાઓને લાભ થશે.
આ પ્રસંગે CMએ જણાવ્યુ કે પીએમ મોદીના નેતૃત્વમાં સામાન્ય માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડાય તેના હર હંમેશ પ્રયત્નો નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં થયા એના મજબુત પાયા ગુજરાતમાં નખાયા અને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે. દરેકે દરેક ક્ષેત્રે વિકાસમાં ગુજરાત રાજ્ય મોખરાના સ્થાને છે. રોડ રસ્તા, પાણી, સ્વાસ્થ્ય, પાણી, વીજળી, કૃષિ ક્ષેત્ર કે ઔદ્યોગિક ક્ષેત્રે આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યુ છે. CMએ વધુમાં જણાવ્યુ કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતને ડબલ એન્જિન સરકારનો પણ લાભ મળી રહ્યો છે.
