વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ, જળથી ભરેલા તપેલામાં ઉભા રહી ગુજરાત પર અમી દૃષ્ટિ વરસાવવા કરાઈ પ્રાર્થના

| Edited By: | Updated on: Jun 28, 2026 | 4:01 PM

હાલ ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થતાં ખેડૂતો અને જનતા ચિંતિત છે. 11 વર્ષ બાદ અલ નીનોની અસરથી વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં અમદાવાદના વસ્ત્રાલમાં બ્રાહ્મણોએ પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યું. પાણી ભરેલા તપેલામાં બેસીને વૈદિક મંત્રોચ્ચાર સાથે વરુણદેવને ગુજરાત પર કૃપા વરસાવવા અને સારો વરસાદ આપવા માટે પ્રાર્થના કરવામાં આવી.

હાલ ગુજરાતમાં ચોમાસુ ખેંચાયુ છે. જુન મહિનો પુરો થવાને આરે છે અને આખો મહિનો કોરો ધાકોર રહ્યો છે. 11 વર્ષ બાદ ગુજરાત પર અલ નીનોની અસરને કારણે વરસાદ ખેંચાયો છે અને લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના જળસ્ત્રોતો પણ હવે ધીમે ધીમે ખાલી થવા લાગ્યા છે, બીજી તરફ ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે વરસાદ વરસે અને તેમનો પાક નિષ્ફળ ન જાય. પરંતુ વરસાદ આવી રહ્યો નથી આવા સમયે જળ, સમુદ્ર અને વાદળોના મુખ્ય દેવતા વરુણ દેવને રિુઝવવા માટે અમદાવાદના વસ્ત્રાલ બ્રાહ્મણોએ પર્જન્ય યજ્ઞનું આયોજન કર્યુ. 11 બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞનું આયોજન કરાયુ હતુ. જેમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આખુ વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ.

બ્રાહ્મણોએ પાણી ભરેલા વિશાળ તપેલામાં બેસીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ કર્યો અને વરુણદેવનું આહ્વાન કરતા મંત્રોચ્ચાર કર્યા હતા. હાલ રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી ખેંચાયેલા વરસાદને લઈને લોકોમાં ચિંતાનું મોજુ ફેલાયુ છે. ધરતીપુત્રો,પશુ-પક્ષીઓ અને આમ જનતા માટે ઈન્દ્રદેવ અને વરુણદેવને આહ્વાન કરવાનો પ્રયાસ કર્યો. જળથી ભરેલા તપેલામાં ઉભા રહી વરુણદેવને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આહુતિ આપવામાં આવી હતી અને ગુજરાતની ધરતી પર તેમની અમી દૃષ્ટિ વરસાવવા માટે શાસ્ત્રોક્તવિધિ મુજબ યજ્ઞ કરાયો હતો.

દુષ્કાળની સ્થિતિમાં સામાન્ય લોકોની સ્થિતિ તો કફોડી બને જ છે પરંતુ સૌથી વધુ પશુપંખીઓની હાલત સૌથી વધુ દયનિય બની જાય છે. જળસ્ત્રોતો ખૂટી જવાથી પશુપંખીઓને તરસ્યા રહેવાનો વારો આવે છે. ત્યારે આ તમામ સૃષ્ટિના લોકો પર વરુણદેવ અમીદૃષ્ટિ વરસાવે એ પ્રાર્થના સાથે આ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.

Input Credit- Sachin Patil- Ahmedabad

નર્મદાના ડેડિયાપાડામાં 108ની ટીમે બતાવી તેમની ફરજનિષ્ઠા, ચાલુ વરસાદે દુર્ગમ રસ્તા પરથી દર્દીને ઝોળીમાં લઈ જઈ જીવ બચાવ્યો- Video

Published on: Jun 28, 2026 04:01 PM
Follow Us